અગસ્ટાવેસ્ટલેન્ડ સોદોઃ મોટી માછલી જાળમાં આવી; વચેટિયો મિશેલ સીબીઆઈના તાબામાં

નવી દિલ્હી – ભારતમાં ટોચના નેતાઓ અને મહાનુભાવો માટેના 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી ભારતીય હવાઈ દળ માટે કરવા માટે બ્રિટનની અગસ્ટાવેસ્ટલેન્ડ કંપની સાથે કરવામાં આવેલા રૂ. 3,600 કરોડના સોદામાં દલાલ તરીકે કથિત ભૂમિકા ભજવનાર ક્રિસ્ટીયન મિશેલનું કેસની તપાસ માટે દુબઈમાંથી ભારતમાં પ્રત્યાર્પણ કરાવવામાં  કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને સફળતા મળી છે. સીબીઆઈના અમલદારો મિશેલને ગઈ કાલે રાતે દુબઈથી અહીં લઈ આવ્યા હતા. એરપોર્ટ પર જ સીબીઆઈએ મિશેલને તાબામાં લીધો હતો અને એને સીબીઆઈના મુખ્યાલય ખાતે લઈ ગયા હતા.

મિશેલને દુબઈથી ગઈ કાલે રાતે લગભગ 11.35 વાગ્યે ગલ્ફસ્ટ્રીમ જેટ વિમાન દ્વારા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો.

સીબીઆઈ અમલદારોના જણાવ્યા મુજબ, મિશેલે હેલિકોપ્ટર ખરીદી કોન્ટ્રાક્ટ બ્રિટનની હેલિકોપ્ટર ડિઝાઈન તથા મેન્યુફેક્ચરિંગ કંપની અગસ્ટાવેસ્ટલેન્ડને મળે એ માટે ઓછામાં ઓછા રૂ. 235 કરોડની લાંચ લીધી હતી. મિશેલ અવારનવાર ભારત આવતો હતો અને 1997 અને 2013 વચ્ચે એણે લગભગ ભારતમાં 300 જેટલી ટ્રિપ કરી હતી.

કન્સલ્ટન્સી કામકાજ માટે પેમેન્ટ કરવાના બહાને ભારત તથા વિદેશમાં રહેલી કંપનીઓની એક ટોળકી મારફત મિશેલને લાંચની રકમની ચૂકવણી કરવામાં આવી હતી. સીબીઆઈએ કોર્ટમાં રજૂ કરેલા આરોપનામામાં ભારતીય હવાઈ દળના ભૂતપૂર્વ વડા એસ.પી. ત્યાગી, એમના પિતરાઈ સંજીવ ત્યાગી ઉર્ફે જુલી, ભારતીય હવાઈ દળના તે વખતના નાયબ વડા જે.એસ. ગુજરાલ અને એડવોકેટ ગૌતમ ખૈતાન તથા અન્ય ચાર ભારતીયના નામ આપ્યા હતા. આ સમગ્ર સોદામાં મુખ્ય ભેજું એડવોકેટ ખૈતાન છે એવો સીબીઆઈએ ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો છે. ચાર્જશીટમાં આરોપી તરીકે આ અન્ય લોકોનાં નામ આપવામાં આવ્યા છેઃ ઈટાલીના સંરક્ષણ વિભાગના ભૂતપૂર્વ વડા ગિસેપી ઓર્સી, એરોસ્પેસ ક્ષેત્રની જાણીતી કંપની ફિનમેકેનિકા, ફિનમેકેનિકાની પેટા કંપની અગસ્ટાવેસ્ટલેન્ડના ભૂતપૂર્વ સીઈઓ બ્રુનો સ્પેગ્નોલિની, તેમજ અન્ય બે દલાલ – હેશ્કી અને જેરોસા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (નેશનલ સિક્યુરિટી એડવાઈઝર-NSA) અજિત ડોવલના માર્ગદર્શન હેઠળ મિશેલને દુબઈથી લાવવામાં આવ્યો છે. આ ઓપરેશનનું સંકલન CBIના કાર્યવાહક ડાયરેક્ટર નાગેશ્વર રાવે કર્યું હતું. CBIના જોઈન્ટ ડાયરેક્ટર સાઈ મનોહરે દુબઈમાં રહીને કામગીરી સંભાળી હતી.

57 વર્ષીય મિશેલની સાથે સીબીઆઈના અમલદારો ઉપરાંત રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) તથા વિદેશ મંત્રાલયના અધિકારીઓ પણ નવી દિલ્હી આવી ગયા છે. ગઈ કાલે રાતે ઈમિગ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ મિશેલને દક્ષિણ દિલ્હી સ્થિત લોધી રોડ વિસ્તારમાં આવેલા સીબીઆઈના મુખ્યાલય ખાતે લઈ જવામાં આવ્યો હતો.

મિશેલને ભારતીય સત્તાવાળાઓને સોંપી દેવો જોઈએ એવી દુબઈની એક નીચલી અદાલતે ગયા મહિને ચુકાદો આપ્યા બાદ આ વચેટિયાને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યાં સુધી એને ભારત સરકારની વિનંતીથી દુબઈ પોલીસના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો.

મિશેલના ભારતને પ્રત્યાર્પણ માટે સીબીઆઈએ વિનંતી કરી હતી અને એને પગલે ઈન્ટરપોલે ગુનેગારની ધરપકડ કરી હતી.

હેલિકોપ્ટર સોદામાં મોટી રકમની દલાલી લેવામાં આવી હોવાના આરોપની તપાસ કરી રહેલી સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે કહેવું છે કે મિશેલ ઉપરાંત અન્ય બે જણે પણ દલાલી લીધી હતી.