કોરોના: આ વર્ષે પણ અમરનાથ યાત્રા રદ

શ્રીનગરઃ કોરોનાવાઈરસ રોગચાળાને કારણે સતત બીજા વર્ષે પણ અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના વહીવટીતંત્રએ આજે આ જાહેરાત કરી છે. કોરોનાને જ કારણે ગયા વર્ષે પણ અમરનાથ યાત્રાને રદ કરવી પડી હતી.

જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નરે એક ટ્વીટમાં જણાવ્યું છે કે કોવિડ-19 રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લઈને શ્રી અમરનાથજી યાત્રાને રદ કરવામાં આવી છે. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના સભ્યો સાથે વિસ્તૃત રીતે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષની યાત્રા પ્રતિકાત્મક જ રહેશે. તે છતાં પવિત્ર ગુફા મંદિરમાં રાબેતા મુજબની પ્રથા અનુસાર તમામ પરંપરાગત ધાર્મિક વિધિઓ યોજવામાં આવશે. દુનિયાભરના શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ કરશે.