નવી દિલ્હીઃ દિવાળીના તહેવાર પર ઘરે મીઠાઈ બનાવવાની હોય કે પૂજા માટે ઘી ખરીદવાનું હોય, આ વખતે ગ્રાહકોનાં ખિસ્સાં પર વધુ બોજ પડશે. દેશની જાણીતી ડેરી કંપની અમૂલ (Amul)એ ઘી અને માખણના ભાવમાં વધારો કર્યો છે. કંપનીનાં કેટલાંક ઉત્પાદનોની કિંમતોમાં 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે તહેવાર પહેલાં ખરીદી કરનારા ગ્રાહકોએ હવે વધુ પૈસા ખર્ચવા પડશે.બજારમાં અમૂલના ગાયના ઘીની માગ ઝડપથી વધી રહી છે તેવા સમયે આ ભાવવધારો કરવામાં આવ્યો છે.
હવે કેટલા રૂપિયામાં મળશે ઘી?
અહેવાલ અનુસાર અમૂલે એક કિલો ઘીના કાર્ટનની કિંમત 630 રૂપિયાથી વધારીને 680 રૂપિયા કરી દીધી છે. એટલે કે હવે ગ્રાહકોએ એક કિલો ઘી ખરીદવા માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. તેવી જ રીતે, 500 ગ્રામ શુદ્ધ ઘીના પેકેટની કિંમત 325 રૂપિયાથી વધારીને 345 રૂપિયા કરવામાં આવી છે.
માખણ ખરીદનારા ગ્રાહકોને પણ રાહત મળી નથી. અમૂલના 100 ગ્રામ માખણના પેકેટની કિંમત 63 રૂપિયાથી વધારીને 66 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે 500 ગ્રામના પેકેટ માટે હવે 310 રૂપિયાને બદલે 325 રૂપિયા ચૂકવવા પડશે.
GSTમાં ઘટાડાનો લાભ ઓછો થયો
સપ્ટેમ્બર, 2025માં સરકારે ડેરી ઉત્પાદનો પર GSTનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો. ત્યાર બાદ અમૂલે પોતાનાં અનેક ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. તે સમયે એક લિટર ઘીના કાર્ટનની કિંમત 650 રૂપિયાથી ઘટાડીને 610 રૂપિયા કરવામાં આવી હતી. જ્યારે 500 ગ્રામ માખણની કિંમત 305 રૂપિયાથી ઘટાડીને 285 રૂપિયા કરવામાં આવી હતી.

બજારમાં અમૂલનું ઘી ઓછું મળી રહ્યું છે
અમદાવાદ અને વડોદરાના વેપારીઓના જણાવ્યાનુસાર ગણેશોત્સવ બાદથી અમૂલના ગાયના ઘીની ઉપલબ્ધતા ઘટી ગઈ છે. પુણે અને કોલકાતા જેવાં શહેરોમાં પણ અગાઉ પુરવઠાની સમસ્યાના અહેવાલો સામે આવ્યા હતા. અમૂલ સાથે સંકળાયેલા એક સહકારી ક્ષેત્રના આગેવાનના જણાવ્યાનુસાર ગુજરાત અને રાજસ્થાનમાં ભેળસેળયુક્ત ઘી સામે કાર્યવાહી થયા બાદ લોકો બ્રાન્ડેડ ઘી તરફ વળી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં બંને રાજ્યોમાં આશરે બે લાખ કિલો નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે.




