CEC સહિત ચૂંટણી કમિશનરોની નિમણૂકને સુપ્રીમ કોર્ટમાં પડકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ તથા વિવેક જોશીની નિમણૂકોને પડકારવામાં આવી છે. આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ નિમણૂકો દરમિયાન ‘મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, 2023’માં નક્કી કરાયેલી કાનૂની પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવ્યું.

જ્ઞાનેશકુમાર અને સુખબીર સિંહ સંધુની નિમણૂક પર સવાલ

આ અરજીમાં 14 માર્ચ, 2024એ બહાર પાડવામાં આવેલી એ સૂચનાઓને પડકારવામાં આવી છે, જેના દ્વારા જ્ઞાનેશકુમાર અને સુખબીર સિંહ સંધુને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 17 ફેબ્રુઆરી, 2025એ બહાર પાડવામાં આવેલી સૂચના દ્વારા જ્ઞાનેશકુમારને મુખ્ય ચૂંટણી કમિશનર અને વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે. અરજદારનો આરોપ છે કે આ નિમણૂકોમાં 2023ના કાયદાની કલમ 5, 6 અને 8 (1) હેઠળ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી.

સર્ચ કમિટીની પેનલ અંગે શું દાવો છે?

આ અરજીમાં 2023ના કાયદાની કલમ 6નો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે સર્ચ કમિટીએ દરેક ખાલી પદ માટે પાંચ ઉમેદવારોની પેનલ તૈયાર કરવાની હતી. અરજદારના જણાવ્યાનુસાર માર્ચ, 2024માં ચૂંટણી કમિશનરની બે જગ્યાઓ ખાલી થતાં સર્ચ કમિટીએ બંને પદ માટે કુલ છ નામોની ભલામણ કરી હતી. અરજદારે સુપ્રીમ કોર્ટના 22 માર્ચ, 2024ના આદેશનો પણ ઉલ્લેખ કર્યો છે. તે સમયે 2023ના કાયદાને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે બે ખાલી જગ્યાઓ માટે કલમ 6 હેઠળ 10 નામ હોવાં જોઈએ. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે નિમણૂકની પ્રક્રિયામાં ઉતાવળ કરવામાં આવી હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે પસંદગી સમિતિના સભ્યોને ઉમેદવારો વિશેની સંપૂર્ણ માહિતી અગાઉથી ઉપલબ્ધ કરાવવી જોઈએ. અરજદારે સવાલ ઉઠાવ્યો છે કે શું આ છ નામોની યાદી ખરેખર કલમ 6 હેઠળ સર્ચ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી કાયદેસરની પેનલ હતી?

ચૂંટણી કરાવવાના અનુભવ અંગે પણ સવાલ

અરજદારનો દાવો છે કે જ્ઞાનેશકુમાર અને સુખબીર સિંહ સંધુની સત્તાવાર પ્રોફાઇલમાં ચૂંટણી કરાવવાના અનુભવનો કોઈ ઉલ્લેખ નથી. જ્ઞાનેશકુમારના કિસ્સામાં અરજીમાં જણાવવામાં આવ્યું છે કે તેમની એક્ઝિક્યુટિવ રેકોર્ડ શીટમાં 26 જગ્યાઓ પરની નિમણૂકોનો ઉલ્લેખ છે, પરંતુ તેમાંથી કોઈને ચૂંટણી સંબંધિત જવાબદારી તરીકે દર્શાવવામાં આવી નથી.