પેટ્રોલ-ડીઝલની કિંમતો પર સવાલ પર ભડકી ઊઠ્યા બાબા રામદેવ

નવી દિલ્હીઃ યોગગુરુ બાબા રામદેવને પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વિશે એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો હતો. જેનો ઉત્તર આપવાની જગ્યાએ તેઓ ભડકી ગયા હતા અને તેને ધમકાવવા લાગ્યા હતા. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

યોગગુરુએ 2014માં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારી પાસે એક અભ્યાસ છે, જે કહે છે કે પેટ્રોલની મૂળ કિંમત રૂ. 35 છે અને એની પર 50નો ટેક્સ લગાવવામાં આવે છે, પણ જો પેટ્રોલ અને ડીઝલ પરના કરવેરામાં ઘટાડો કરવામાં આવે તો ફ્યુઅલની કિંમતમાં ચોક્કસ ઘટાડો કરી શકાય છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા 10 દિવસોમાં રૂ. 6.40ના વધારો થયો એના પર તેમણે ટિપ્પણી આપી હતી. પત્રકારનો આ પ્રશ્ન સાંભળતાં જ રામદેવ ભડકી ગયા હતા. શરૂઆતમાં તેમણે જવાબ આપ્યો ન હતો પણ વાંરવાર પૂછવામાં આવતા તેમણે ભડકીને કહ્યું કે મેં કહ્યું હતું તો શું હવે મારી પાછળ પડી જઈશ? આવા પ્રશ્નો ન પૂછો અને તમે શું ઠેકેદાર છો કે તમે જે પૂછો એનો મારે ઉત્તર આપવો પડે?

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લા 10 દિવસોમાં આશરે રૂ. 6.40નો વધારો થયો છે. જેથી દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.81 અને ડીઝલ રૂ. 93.07 પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ રૂ. 116.72 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર, .ચેન્નઈ પેટ્રોલ રૂ. 107.45 અને ડીઝલ રૂ. 97.52 પ્રતિ લીટર  અને કોલકાતા પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 96.22 પ્રતિ લીટરે પહોંચ્યું હતું.