સાધ્વી પ્રજ્ઞા હવે કહે છે કે, ગાંધીજી રાષ્ટ્રપિતા નહીં, રાષ્ટ્રપુત્ર છે…

ભોપાલ: ભાજપા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અંગે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. સાધ્વી પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની જગ્યાએ રાષ્ટ્રપુત્ર ગણાવ્યા. રવિવારે ભોપાલ રેલવે સ્ટેશનના એક કાર્યક્રમમાં પ્રજ્ઞાએ પત્રકારોના એક સવાલના જવાબમાં કહ્યું કે, મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપુત્ર (Son Of The Nation ) છે. ગાંધીજી આ ધરતીના સપૂત છે. રામ પણ આ જ ધરતીના પુત્ર છે. મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ પણ આ જ ધરતીના પુત્ર છે. તેમણે કહ્યું કે, દેશ માટે જેમણે ઉમદા કાર્ય કર્યું છે ચોક્કસપણે તેઓ અમારા માટે આદરણીય છે. અમે તેના પગલે ચાલીએ છીએ.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, તે દેશ માટે જીવે છે. મહત્વનું છે કે, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર દેશભરમાં ભાજપ દ્વારા સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સાધ્વી પ્રજ્ઞા જોડાયા ન હતાં. આ પહેલા લોકસભા ચૂંટણી દરમ્યાન મધ્યપ્રદેશના આગર માલવામાં પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની હત્યા કરનારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતાં, જેને લઈને મોટો વિવાદ ઉભો થયો હતો.

ખુદ વડાપ્રધાન મોદીએ પણ સાધ્વીના આ નિવેદન અંગે કહ્યું હતું કે, આ નિવેદન બદલ તે કદી પણ સાધ્વી પ્રજ્ઞાને મનથી માફ નહીં કરી શકે. જોકે, આ ઘટનાના થોડાક જ કલાકો બાદ પ્રજ્ઞા ઠાકુરે તેમના નિવેદન બદલ દેશના લોકોની માફી માગી હતી અને કહ્યું હતું કે, હું ગાંધીજીનું ખુબજ સમ્માન કરું છું. ગાંધીજીએ દેશ માટે જે કર્યું તે કદી ભૂલી ન શકાય.