નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે કથિત ‘વોટ ચોરી’ને મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપ સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છે, પરંતુ વિપક્ષી પક્ષો ચર્ચા કરવા માગતા નથી. લખનૌમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરતાં શાહે કહ્યું હતું કે હું રાહુલ ગાંધી અને અખિલેશ યાદવને પડકાર આપું છું. ભાજપ સંસદની અંદર દરેક આરોપ પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ તેઓ ચર્ચા કરશે નહીં.” તેમણે ચૂંટણી પંચ સામે લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
શાહે વધુમાં કહ્યું હતું કે અમારે કંઈ છુપાવવાનું નથી. ચાલો, સંસદનું વિશેષ સત્ર બોલાવીએ, પરંતુ તેમનો ગૃહમાં બોલવાનો કોઈ ઇરાદો નથી. તેઓ સંસદની કાર્યવાહી ચાલવા દેતા નથી અને તેને બદલે માત્ર હોબાળો કરે છે. હરિયાણા, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, પુડુચેરી, આસામ અને પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતનો ઉલ્લેખ કરતાં શાહે કહ્યું હતું કે બંગાળની ઘટનાઓ બાદ તેમને સમજાઈ ગયું છે કે તેઓ ચૂંટણી જીતી શકતા નથી. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ટીમ મેચ કે રમત હારે છે, ત્યારે તેણે બેસીને વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ. તેની પાસેથી આ જ અપેક્ષા રાખવામાં આવે છે, ખરુંને?
केंद्रीय ग्रह मंत्री अमित शाह ने कहा राहुल और अखिलेश को चुनौती देकर जा रहा
एसआईआर और वोट चोरी मामले में हम संसद में चर्चा को तैयार हैं स्पेशल संसद सत्र बुला के चर्चा कर लीजिए राहुल बाबाटीम मैच हारती तो ज्यादा मेहनत करती है लेकिन राहुल हार के बाद तो अंपायर को ही दोष देने लगते https://t.co/i1mMNNd9UW
— sanket Mishra (@sanketM86749078) October 30, 2026
તેમણે ઉમેર્યું કે હાર સ્વીકારવાને બદલે વિપક્ષે અમ્પાયર પર જ ગોટાળાના આરોપ લગાવવાનું શરૂ કરી દીધું અને મત ચોરી થયાનો દાવો કર્યો છે.શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે INDIA ગઠબંધને શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ‘જન મહાભિયોગ’ કાર્યક્રમ યોજવાની અને રવિવારે ‘વોટ બચાવો, દેશ બચાવો’ના નારા સાથે રામલીલા મેદાનમાં વિરોધ રેલી યોજવાની યોજના બનાવી છે.જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું અભિયાન સતત તેજ બની રહ્યું છે. વિપક્ષે તેમના પર પક્ષપાતી વલણ અપનાવવાનો અને મતદાર યાદીઓના પુનરીક્ષણની પ્રક્રિયા યોગ્ય રીતે ન સંભાળવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી પક્ષો આ સમગ્ર પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં લાયક મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં હોવાનો દાવો કરીને તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે.




