આ ઈલેક્ટોરલ બોન્ડમાં ભાજપ-કોંગ્રેસ સામસામેઃ કોણ કેટલું સાચું?

નવી દિલ્હી:  ગયા વરસથી ભારતીય રાજનીતિમાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડના લીધે ઘણો હંગામો ચાલે છે. ઈલેક્ટોરલ બોન્ડ્સ એ કરન્સી નોટની જેમ વેલ્યુ ધરાવતા બોન્ડ્સ હોય છે. આ બોન્ડ્સ દ્વારા રાજકીય પક્ષો કે સંસ્થાઓને સીધું અનુદાન થઈ શકે છે. એક હજાર, દસ હજાર, એક લાખ, દસ લાખ અને એક કરોડની રકમના ઈલેક્ટોરલ બોન્ડ આપણે ત્યાં ઉપલબ્ધ છે.

ઈલેક્ટોરલ બોન્ડ્સના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પક્ષ સામસામે આરોપો મૂકી રહ્યા છે. કોંગ્રેસે આરોપ મૂકતા કહ્યું હતું કે ભ્રષ્ટ નેતાઓનું ગઠબંધન સ્વચ્છ પૈસા આવવા દેવા માગતા નથી તો ભાજપે જવાબ આપતા કહ્યું હતું કે માત્ર કાળા નાણાના તરફદારો જ ઈલેક્ટોરલ બોન્ડ્સનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના મનીષ તિવારી સંસદમાં બોલ્યા હતા કે ફેબ્રુઆરી 2017થી ભાજપ સરકારે રિઝર્વ બેન્ક અને ચૂંટણી આયોગના વિરોધ છતાં અનામી ઈલેક્ટોરલ બોન્ડને માન્ય કર્યા હતા, જેથી કોણે પૈસા આપ્યા, કેટલા પૈસા આપ્યા અને કયા પક્ષને પૈસા આપ્યા એમાંથી કોઈ માહિતી લોકોને ન મળે. જવાબમાં ભાજપે ઈલેક્ટોરલ બોન્ડને રાજનીતિમાંથી કાળા નાણા નાથવાનો શ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો હતો.

એક આર.ટી.આઈ. દ્વારા બહાર આવેલી માહિતી અનુસાર બાર ચરણમાં આવેલા કુલ ઈલેક્ટોરલ બોન્ડ્સમાંથી 83 ટકા બોન્ડ માત્ર ચાર શહેરોમાંથી આવેલા છે. મુંબઈ, નવી દિલ્હી, કલકત્તા અને હૈદરાબાદથી મોટાભાગના બોન્ડ્સ આવ્યા છે. પહેલા અગિયાર ચરણના બોન્ડ્સની કુલ કિંમત 5896 કરોડ રૂપિયા હતી અને એમાંથી 91 ટકા બોન્ડ એક કરોડથી વધારે રકમના હતા. બાર ચરણના મળી કુલ 6128 કરોડ રૂપિયા આવ્યા છે.

ન્યૂ ઈન્ડિયામાં લાંચને ઈલેક્ટોરલ બોન્ડ કહેવાય છે: રાહુલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત સમગ્ર પાર્ટી ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યુ છે. હાલમાં જ ટ્વીટ મારફતે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા લખ્યું હતું કે, નવા ભારતમાં લાંચ અને ગેરકાયદે કમિશનને ઈલેક્ટોરલ બોન્ડ કહેવામાં આવે છે. ગાંધીએ મીડિયા રિપોર્ટના હવાલો આપતા દાવો કર્યો કે, ઈલેક્ટોરલ બોન્ડ વ્યવસ્થાની સત્તાવાર જાહેરાત પહેલા રિઝર્વ બેંક આ પગલાનો વિરોધ કર્યો હતો.