પેરેડાઈઝ પેપરલીક : 714 ભારતીયોના નામ બહાર આવતા ખળભળાટ

નવી દિલ્હી- પનામા પેપર્સ બાદ બ્લેકમનીને લઈને હવે પેરેડાઈઝ પેપરલીકમાં વધુ એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ પેરેડાઈઝ પેપર્સમાં 1.34 કરોડ દસ્તાવેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિશ્વના અનેક ધનીક અને શક્તિશાળી લોકોની ખાનગી માહિતી રાખવામાં આવી છે.

આ જાણીતી વ્યક્તિઓમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથ (દ્વિતીય), અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક પ્રધાનો, કેનેડાના પીએમના પ્રધાનો ઉપરાંત પીએમ મોદી સરકારના વર્તમાન વિમાનન રાજ્યપ્રધાન જયંતસિંહા અને ભાજપના રાજ્યસભાના સાંસદ રવિન્દ્ર કિશોર સહિત 714 ભારતીયોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે કેન્દ્રીયપ્રધાન જયંતસિંહા રાજકારણમાં આવ્યા તે અગાઉ ઓમિડ્યાર નેટવર્કમાં ભાગીદાર હોવાનું પેરેડાઈઝ પેપર્સમાં જણાવવામાં આવ્યું છે. ભાજપના રાજ્યસભાના સાંસદ રવિન્દ્ર કિશોરની કંપની SIS સિક્યોરિટીઝનું નામ પણ પેરેડાઈઝ પેપર્સમાં છે.

આ ઉપરાંત બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના નામનો પણ પેરેડાઈઝ પેપર્સમાં સમાવેશ થયો છે. આ યાદી મુજબ અમિતાભ બચ્ચન બર્મુડાની એક કંપનીના શેર ધરાવે છે. પેરેડાઈઝ પેપર્સની આ યાદીમાં અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું પણ નામ છે. જોકે તેનો સમાવેશ જૂના નામ દિલનશી સાથે કરાયેલો છે.