અમદાવાદઃ ભારતીય શેરબજારમાં ગુરુવારે જોરદાર તેજી જોવા મળી હતી. ગુરુવારે શેરબજારમાં તમામ ક્ષેત્રોમાં ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર તેજી સાથે બંધ થયા હતા, જ્યારે બેન્ક નિફ્ટી પ્રથમ વખત 63,000ની ઉપર બંધ થયો હતો. નિફ્ટી પણ 25,500ના સ્તરને પાર કરી ગયો હતો. બજારની તેજીમાં ઓટો, બેન્ક, એફએમસીજી અને કેટલીક પસંદગીની કંપનીઓના શેરોનો ફાળો રહ્યો હતો. જોકે આઈટી શેરોમાં મજબૂત બજાર વચ્ચે પણ દબાણ જોવા મળ્યું હતું.
સેન્સેક્સે દિવસના અંત સુધીમાં 989.94 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને 83,021.75ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 286.35 પોઈન્ટ વધીને 25,514.30ના સ્તરે બંધ થયો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો શેરોએ સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. નિફ્ટી ઓટો 4.40 ટકા વધીને બંધ રહ્યો હતો.બજાર વિશ્લેષકે જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોની સતત ખરીદી અને ક્રૂડ ઓઇલ તથા ધાતુઓના ભાવમાં ઘટાડાથી બજારને ટેકો મળ્યો હતો. કોપર અને એલ્યુમિનિયમ સસ્તાં થવાથી ઓટો શેરોમાં તેજી આવી હતી, જ્યારે બેન્કિંગ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. જોકે અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકા અને ડિસેમ્બર ક્વાર્ટરમાં નફાના માર્જિન પર દબાણને કારણે ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ શેરોની તેજી મર્યાદિત રહી છે.
ધાતુઓના ભાવમાં ઘટાડાથી ઓટો શેરોમાં મજબૂતી
એસબીઆઈ સિક્યોરિટીઝના હેડ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ સની અગ્રવાલે જણાવ્યું હતું કે બજારે નબળી શરૂઆત બાદ શાનદાર વાપસી કરી હતી. ઓટો, બેન્કિંગ અને કન્ઝ્યુમર શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. ધાતુઓના ભાવમાં ઘટાડો અને મજબૂત માંગની અપેક્ષાને કારણે ઓટો સેક્ટરમાં લગભગ 4.3 ટકાનો ઉછાળો આવ્યો હતો.
કોમોડિટીના ભાવમાં નરમાઈથી બજારમાં તેજી
વિદેશી રોકાણકારોની ખરીદી અને કોમોડિટીના ભાવમાં નરમાઈને કારણે બજારમાં સકારાત્મક વલણ જળવાઈ રહી શકે છે. નિફ્ટી ઓટો 4.4 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 3.6 ટકા વધ્યા હતા. કોપર સસ્તું થવાથી એસી અને ઘરેલુ ઉપકરણો બનાવતી કંપનીઓને ફાયદો થઈ શકે છે. જોકે અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો અને ફેડના કડક વલણથી બજાર પર દબાણ રહી શકે છે.

બેન્ક નિફ્ટી 1.5 ટકા ઊછળીને 62,950ને પાર
બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 63,063ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ તેજીમાં સરકારી બેન્કોનો સૌથી મોટો ફાળો રહ્યો હતો. કારોબારના અંતે બેન્ક નિફ્ટી 1.65 ટકાની વૃદ્ધિ સાથે 63,063ના સ્તરે બંધ થયો હતો. આ તેજીમાં આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાનો સૌથી વધુ ફાળો રહ્યો હતો. આ શેરોમાં અનુક્રમે 4.8 ટકા, 3.6 ટકા અને 3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
નવેમ્બરમાં અત્યાર સુધીમાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ રૂ. 40 લાખ કરોડનો વધારો થયો છે. ગુરુવારે આ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 512 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.






