મુંબઈઃ અનિલ અંબાણી અને રિલાયન્સ કેપિટલ સામે CBIએ નવી FIR નોંધાવી છે. આ વખતે રૂ. 2684 કરોડના LIC ફ્રોડ કેસમાં ઉદ્યોગપતિનું નામ છે. જોકે તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે. અનિલ અંબાણીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. CBIએ શુક્રવારે રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCL), તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી, ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સતીશ સેઠ સહિત કેટલાક અજાણ્યા સરકારી કર્મચારીઓ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. આ મામલો LIC સાથે રૂ. 2684.57 કરોડની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે.
શું છે આરોપ?
LICએ પોતાની લેખિત ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે 12 એપ્રિલ, 2012થી 9 માર્ચ, 2018 દરમિયાન રિલાયન્સ કેપિટલે તેને પાંચ ડિબેન્ચર વેચ્યા હતા. તેના બદલામાં LICએ કંપનીને રૂ. 3900 કરોડની લોન આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ કંપનીની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા, જૂનાં દેવાંની ચુકવણી કરવા અને રોજિંદા કામકાજ માટે કરવામાં આવશે. LICનો આરોપ છે કે લોન મળ્યા બાદ કંપનીએ નાણાંનો ઉપયોગ નિર્ધારિત હેતુઓ માટે કર્યો નહોતો, પરંતુ ગ્રુપની એવી કંપનીઓમાં નાણાં ડાયવર્ટ કર્યાં હતાં, જે પહેલેથી જ ખોટમાં ચાલી રહી હતી. ત્યાર બાદ રિલાયન્સ કેપિટલ આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગઈ અને LIC પાસેથી લીધેલી લોનની ચુકવણી કરી શકી નહોતી. તેને કારણે LICને રૂ. 2,684.57 કરોડનું મોટું નુકસાન થયું હોવાનો આરોપ છે.
STORY | Anil Ambani denies ‘any wrongdoing’ after CBI lodges FIR over Rs 2,684-Cr LIC investment ‘fraud’
Reliance Group chairman Anil Ambani on Friday denied any wrongdoing after the CBI registered a case against Reliance Capital Limited (RCAP), its former chairman, former group… pic.twitter.com/dJ3WIqnx5w
— Press Trust of India (@PTI_News) September 18, 2026
અનિલ અંબાણીનું શું કહેવું છે?
અનિલ અંબાણીના પ્રવક્તાએ આ તમામ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ મામલો સંપૂર્ણપણે રિલાયન્સ કેપિટલ લિમિટેડ સાથે સંબંધિત છે. અનિલ અંબાણી 2005થી નવેમ્બર, 2021 સુધી કંપનીમાં માત્ર બિન-કાર્યકારી ડિરેક્ટર અને બોર્ડના ચેરમેન હતા. નવેમ્બર, 2021માં RBIએ કંપનીના બોર્ડને હટાવીને પ્રશાસકની નિમણૂક કરી હતી. પ્રવક્તાએ જણાવ્યું કે અનિલ અંબાણીએ કોઈ પણ પ્રકારની ગેરરીતિનો સંપૂર્ણપણે ઇનકાર કર્યો છે અને કાયદા હેઠળ તેમને મળેલા પોતાના અધિકારો સુરક્ષિત રાખ્યા છે.




