ચીનને મળ્યો  સોના સહિત અનેક દુર્લભ ખનિજોનો મોટો ભંડાર

નવી દિલ્હીઃ ચીનમાં સોનું, નિકલ અને રેનિયમ સહિત અનેક દુર્લભ અને કીમતી ધાતુઓનો વિશાળ ભંડાર મળી આવ્યો છે, એમ સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ શનિવારે આ અંગે અહેવાલ આપ્યો હતો.

દુર્લભ ખનિજોને મામલે ચીન પહેલેથી જ મજબૂત

ચીન પહેલેથી જ કીમતી અને દુર્લભ ધાતુઓના મામલે વિશ્વમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. નવા ભંડાર મળવાથી તેની સ્થિતિ વધુ મજબૂત બનશે. અહેવાલ અનુસાર ચીનનો રેનિયમનો ભંડાર 200 ટકાથી વધુ વધ્યો છે. ચીનના કુદરતી સંસાધન મંત્રાલયના જણાવ્યાનુસાર સોનાનો નવો ભંડાર 50 મોટા ખનિજ ભંડારો જેટલો છે, જ્યારે નિકલનો ભંડાર 30 મોટા ભંડારો જેટલો છે.

એક વર્ષ સુધી ખનિજ ભંડારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું

અહેવાલ અનુસાર ચીનમાં ઓછી ગુણવત્તા ધરાવતા અને જેનો ઉપયોગ કરવો મુશ્કેલ હતો તેવા ખનિજ ભંડારોનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાના પરિણામે ગેલિયમ, ઇન્ડિયમ, ટેન્ટેલમ અને વેનેડિયમના ભંડારમાંથી પ્રત્યેકમાં 10 મોટા ખનિજ ભંડારો કરતાં વધુનો વધારો નોંધાયો છે. આ પ્રક્રિયામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. આ પ્રોજેક્ટમાં 1800 કાર્યરત ખાણો તેમ જ મોટા અને મધ્યમ કદના ખાણ વિસ્તારોને સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ 17 વ્યૂહાત્મક ખનિજોના ભંડારનું મૂલ્યાંકન કરવાનો હતો.

ચીનના 27 પ્રાંતોમાં ખનિજ ભંડારોનો સર્વે કરવામાં આવ્યો

આ પ્રોજેક્ટ હેઠળ ચીનના 27 પ્રાંતોમાં ખનિજ ભંડારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમાં 100થી વધુ સંસ્થાઓ અને આશરે 2000 સર્વે કર્મચારીઓ જોડાયા હતા. ચીનને પ્રથમ વખત પેલિયોફ્લુવિયલ-લેકસ્ટ્રિન ઝિર્કોનનો ભંડાર પણ મળ્યો છે. અહેવાલમાં  જણાવ્યાનુસાર આ શોધથી ચીનમાં ઝિર્કોનનો પુરવઠો વધશે. અત્યાર સુધી ચીન આ ખનિજ માટે આયાત પર નિર્ભર હતું. ઝિર્કોનનો ઉપયોગ પરમાણુ રિએક્ટરના ફ્યુઅલ રોડના બાહ્ય આવરણ તેમ જ ઊંચા તાપમાન સહન કરી શકે તેવા એરોસ્પેસ એલોયના ઉત્પાદનમાં થાય છે.


ચીનમાં વાર્ષિક 384 ટન સોનાનું ઉત્પાદન થાય છે

ચીન પહેલેથી જ વિશ્વમાં સોનાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. વિશ્વના કુલ ખાણકામ દ્વારા થતા સોનાના ઉત્પાદનમાં ચીનનો હિસ્સો 10થી 11.5 ટકા વચ્ચે છે. વર્ષ 2007થી ચીન આ મામલે પ્રથમ સ્થાને છે.ચીનમાં વાર્ષિક 384.3 ટન સોનાનું ઉત્પાદન થાય છે. સોનાના ઉત્પાદનમાં રશિયા બીજા ક્રમે છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને કેનેડાનો નંબર આવે છે.