ઈફ્તારના બહાને મહાગઠબંધનનું ટ્રાયલ? રાહુલના નિમંત્રણ પર પહેલીવાર મળશે વિપક્ષ

નવી દિલ્હી- પાર્ટીની કમાન સંભાળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હવે વિરોધ પક્ષોને એક કરવામાં વ્યસ્ત છે. રોઝા ઈફ્તારના બહાને રાહુલ ગાંધી તરફથી પ્રથમવાર વિરોધ પક્ષના તમામ મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અગાઉ UPAના અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા નિમંત્રણ આપવામાં આવતું હતું. હવે જોવાનું એ રહેશે કે, રાહુલ ગાંધીના નિમંત્રણ પર વિપક્ષના કોણ-કોણ નેતાઓ એકજૂટ થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.બે વર્ષ પછી કોંગ્રેસની ઈફ્તાર પાર્ટી

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા બે વર્ષ બાદ રોઝા ઈફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલા કોંગ્રેસ પ્રમુખપદે રહેવા દરમિયાન સોનિયા ગાંધીએ વર્ષ 2015માં ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

બધા જ વિરોધ પક્ષોને નિમંત્રણ

કોંગ્રેસની રોઝા ઈફ્તરા પાર્ટીમાં રાહુલ ગાંધીએ સપા, બસપા, એનસીપી, આરજેડી, વામદલ, જેડીએસ સહિત તમામ વિરોધ પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું છે. જોકે, રામવિલાસ પાસવાન જેવા એનડીએના એવા નેતાઓને નિમંત્રણ આપવામાં નથી આવ્યું જે પહેલાં UPA સરકારના ઘટકદળ હતા. જોકે પહેલા એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસ એવા નેતાઓને પણ નિમંત્રણ આપી શકે છે જે પહેલાં તેમની સાથે રહી ચૂક્યા છે.

કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ પહેલીવાર રોઝા ઈફ્તારના બહાને સૌપ્રથમ વખત વિરોધ પક્ષોને નિમંત્રણ આપ્યું છે. વિરોધ પક્ષોને એકજૂટ કરવા એ રાહુલ ગાંધી માટે કોઈ અગ્નિપરીક્ષાથી ઓછું નથી. એ પણ એવા સમયે જ્યારે વિપક્ષના અનેક નેતાઓ 2019ની ચૂંટણીમાં પોતાને આગળ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.