કોંગ્રેસને 105 નહીં, તેનાથી વધુ બેઠકો જોઈએઃ ઈમરાન મસૂદ  

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને નિવેદનબાજી તેજ બની છે. કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 105થી વધુ બેઠકો મળવી જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે 2017માં કોંગ્રેસે 105 બેઠકો પર ચૂંટણી લડી હતી, જ્યારે તે સમયે પાર્ટીની સ્થિતિ ઘણી નબળી હતી. મસૂદે સમાજવાદી પાર્ટીને સંબોધીને કહ્યું કે કોંગ્રેસને પૂરતી અને જીતવાની ક્ષમતા ધરાવતી બેઠકો આપવી જોઈએ, કારણ કે ગઠબંધનમાં સન્માન અને ભાગીદારી બંને જરૂરી છે.

‘2017માં 105 બેઠકો પર ચૂંટણી લડી હતી, હવે વધુ મજબૂત છીએ’

તેમણે કહ્યું હતું કે 105 બેઠકો નહીં, 105થી વધુ બેઠકો જોઈએ. 2017માં અમે 105 બેઠકો પર ચૂંટણી લડી હતી. તે સમયે અમારી સ્થિતિ ખૂબ નબળી હતી, પરંતુ હવે અમે ઘણી વધુ મજબૂત સ્થિતિમાં છીએ.

ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં સપા-કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે તેમણે કહ્યું હતું કે 2022માં મુસ્લિમોએ એકતરફી અને આંખ બંધ કરીને મતદાન કર્યું હતું, છતાં આપણે કેમ હાર્યા? તેની જવાબદારીનો મોટો હિસ્સો તમારા પર છે. તમે અમારા પર વિશ્વાસ કરી રહ્યા છો અને અમે તૈયાર છીએ. અમે કહ્યું હતું કે અમને બેઠકોની સંખ્યા પણ જોઈએ અને સારી બેઠકો પણ જોઈએ. તમે અમને આ 26 બેઠકો આપી છે, તો તેના પરિણામોની જવાબદારી પણ તમે લો.

સપાને સ્પષ્ટ સંદેશ

સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સંભવિત બેઠકોની સમજૂતી અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે અમને બેઠકો આપો, અમે ચૂંટણી લડીને જીતી શકીએ છીએ. અમને બેઠકોની સંખ્યા પણ જોઈએ અને સારી બેઠકો પણ જોઈએ. મુખ્યમંત્રીપદ તમે રાખો, મુખ્ય મંત્રીને લઈને અમારો કોઈ વિવાદ નથી. પરંતુ તમે તમારા સહયોગીને નબળો કેમ બતાવવા માગો છો? તમારા સહયોગીને નાનો કેમ સાબિત કરવા માગો છો? તમે સીધા મારા પર હુમલા શરૂ કરી દીધા, શા માટે? મેં તો તમારી વિરુદ્ધ એક શબ્દ પણ કહ્યો નહોતો.