નવી દિલ્હી: દિલ્હી બિલ્ડિંગ દુર્ઘટનાના આરોપી હરિરામ બંસલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને દિલ્હીના ભિવાડીમાંથી ઝડપી પાડ્યો હતો. ઘટના બાદથી જ તે ફરાર હતો અને તેનો ફોન પણ બંધ હતો. આ પહેલાં આજે સવારે ગુરુગ્રામ સ્થિત તેના ઘરનો વિડિયો પણ સામે આવ્યો હતો, જ્યાં તાળું લટકતું જોવા મળ્યું હતું. રવિવારે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે હરિરામનું લોકેશન ગુરુગ્રામમાં જ હતું. જોકે ત્યાર બાદથી તે ફરાર થયો હતો. દિલ્હી પોલીસ જ્યારે આરોપી બિલ્ડિંગ માલિકને પકડવા માટે તેના ઠેકાણે પહોંચી, ત્યારે તે ત્યાંથી પહેલેથી જ ફરાર થઈ ચૂક્યો હતો. દિલ્હી પોલીસે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) નોટિસ જારી કરી હતી. તેની શોધખોળ માટે પોલીસની 10 ટીમો તહેનાત કરવામાં આવી હતી. હવે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
ગુરુગ્રામના સેક્ટર-23માં છે આલીશાન મકાન
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં ધરાશાયી થયેલી બિલ્ડિંગનો માલિક ગુરુગ્રામના સેક્ટર-23માં રહે છે. અહીં પોશ વિસ્તારમાં તેણે આલીશાન કોઠી બનાવી રાખી છે. કહેવાય છે કે તે લાંબા સમયથી અહીં રહેતો હતો. આ જ વિસ્તારના માર્કેટમાં તેની હાર્ડવેરની દુકાન પણ છે, જ્યાં ગઈ કાલે દુર્ઘટના સમયે તે બેઠો હતો. આ ઉપરાંત ગુરુગ્રામના આ જ પોશ વિસ્તારમાં તેના દીકરા-દીકરી પણ રહે છે અને તેની પાસે કુલ ચારથી પાંચ મિલકતો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે દુર્ઘટનાની જાણ થતાં જ હરિરામ બંસલ પોતાના ગુરુગ્રામ સ્થિત ઘર પર તાળું મારીને સમગ્ર પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસ સોમવારે વહેલી સવારે સેક્ટર-23 સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો અને મુખ્ય દરવાજા પર મોટું તાળું લટકતું જોવા મળ્યું હતું.
હરિરામ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી
દુર્ઘટના બાદ દિલ્હી પોલીસે બિલ્ડિંગ માલિક હરિરામ બંસલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર નોટિસ જારી કરી હતી, જેથી તે દેશ છોડીને ભાગી ન શકે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાનુસાર હરિરામને ટ્રેક કરવા માટે 10 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.




