પ્રદૂષણના ગંભીર મામલે આ સાંસદો “ગંભીર” નથી

નવી દિલ્હીઃ દેશભરમાં પ્રદૂષણની ચર્ચા છે, લોકસભામાં પણ આ ચર્ચા થઈ, પરંતુ આટલા મહત્વના નિર્ણયને લઈને આપણા સાંસદો કેટલા ગંભીર છે? આ પહેલી ચર્ચા દરમિયાન તેમની ઉપસ્થિતીએ દર્શાવ્યું અને પછી તેમના વચ્ચે ચાલેલી રાજનીતિએ. લોકસભામાં પ્રદૂષણ પર ચર્ચા શરુ થઈ તો સંસદ ભવનમાં 100 થી પણ વધારે સાંસદ સદનમાં દેખાયા. આ મામલે ચર્ચાની નોટિસ આપનારા કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે પ્રદૂષણ સામે લડવાની ઈચ્છા શક્તિ નથી.

ત્યારબાદ પ્રદૂષણનો મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેની ટક્કરમાં બદલાઈ ગયો. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ કેજરીવાલને જ પ્રદૂષણ ગણાવી દીધા. બીજી તરફ ગૌતમ ગંભીરે આ મામલાને રાજનીતિથી દૂર રાખવાની વાત કહી. સદનમાં ચર્ચા દરમિયાન આપના એકમાત્ર સાંસદ ભગવંત સિંહ માન ગેરહાજર હતા. જો કે સદન બહાર રાધવ ચડ્ડાએ મોરચો સંભાળ્યો.

લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ મંગળવારના રોજ એ ઓફિસરોને સમન આપ્યું કે જે ગત સપ્તાહે લોકસભાની સ્ટેન્ડિંગ કમીટિની બેઠકમાં આવ્યા નહોતા. આ બેઠકમાં શહેરી વિકાસ મંત્રાલય સાથે પ્રદૂષણના મુદ્દા પર ચર્ચા નક્કી હતી. ડીડીએ, મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કમિશનર અને દિલ્હી જળ નિગમના ઓફિસરોને સ્પીકરે ચેતવણી પણ આપી કે જો આવતી બેઠકમાં પણ આ જ વલણ રહ્યું તો, ડિસીપ્લીનરી કાર્યવાહી થશે.

દિલ્હીમાં પ્રદૂષણની દ્રષ્ટીએ ચાર હોટ સ્પોટની ઓળખ કરવામાં આવી છે. જ્યાં ટ્રાફિકના કારણે સતત પ્રદૂષણ વધી રહ્યું છે. હવે મોનિટરિંગ કમીટીએ પોલીસ અને રાજ્ય સરકારને પત્ર લખીને કહ્યું છે કે 45 દિવસની અંદર આ ચારેય જગ્યાઓનું સમાધાન શોધવામાં આવશે. દિલ્હીમાં આનંદ વિહાર, ગાંધી નગર, તુગલકાબાદ અને પીરાગઢી પ્રદૂષણની દ્રષ્ટીએ ચાર હોટ સ્પોર્ટ છે. જ્યાં ટ્રાફિક અથવા રોડના કારણે ટ્રાફિક જામ થાય છે અને પ્રદૂષણ વધી જાય છે. દિલ્હીમાં 13 એવી જગ્યાઓ છે કે જ્યાં પ્રદૂષણનું સ્તર ખતરનાક રીતે વધતું રહે છે. પરંતુ ટ્રાફિક જામના કારણે પ્રદૂષણને ખતમ કરવા માટે 45 દિવસની અંદર એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.