લખનૌઃ ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં યોગી સરકાર મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. ઉત્તર પ્રદેશ મહિલા ઉદ્યોગ સાહસિક ક્રેડિટ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથો (SHG) સાથે જોડાયેલી એક કરોડ દીદીઓને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકાર આ યોજનાને વિધાનસભા ચૂંટણી પહેલાં જોરશોરથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે.
અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશ સરકાર ‘મહિલા ઉદ્યોગ સાહસિક ક્રેડિટ યોજના’ હેઠળ એક કરોડ સ્વસહાય જૂથની મહિલાઓને ટૂંક સમયમાં એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે. આ યોજના હેઠળ મહિલાઓને તબક્કાવાર રીતે લોન આપવામાં આવશે, જેથી તેઓ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે અથવા પહેલેથી ચાલી રહેલા વ્યવસાયનો વિસ્તાર કરી શકે.
પહેલા તબક્કામાં રૂ. 20,000, ત્યાર બાદ વધશે લોનની રકમ
આ યોજનાના પ્રારંભિક તબક્કામાં મહિલાઓને 20,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની હપતાની રકમ સમયસર ચૂકવવા પર બીજા તબક્કામાં 30,000 રૂપિયાની લોન આપવામાં આવશે. જો મહિલા બીજા હપતાની લોન પણ સમયસર ચૂકવી દે છે, તો ત્રીજા તબક્કામાં 50,000 રૂપિયાની ક્રેડિટ સુવિધા આપવામાં આવશે. આ રીતે અલગ-અલગ તબક્કામાં લોન લઈને સમયસર ચુકવણી કરનારી મહિલાઓ આગળ જતાં કુલ એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ લઈ શકશે. સરકારનો હેતુ માત્ર મહિલાઓને લોન આપવાનો નથી, પરંતુ આ રકમના માધ્યમથી તેમને સ્વરોજગાર અને નાના વ્યવસાય સાથે જોડવાનો છે.
ચૂંટણી પહેલાં મહિલાઓની યોજના જમીન પર ઉતારવાની તૈયારી
અહેવાલ મુજબ સરકાર વિધાનસભા ચૂંટણી પહેલાં આ યોજનાનો લાભ મહિલાઓ સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. યોજનાને લઈને સરકારની તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી છે. જોકે યોજનાની ચર્ચા વચ્ચે અત્યાર સુધી સરકાર તરફથી તેના અમલીકરણ સાથે જોડાયેલી તમામ વિગતો જાહેર કરવામાં આવી નથી.

મહિલાઓને મળશે ક્રેડિટ કાર્ડ
આ યોજના હેઠળ મહિલાઓને વિશેષ ક્રેડિટ કાર્ડ જારી કરવાની પણ તૈયારી છે. આ કાર્ડને ડિજિટલ સુવિધાઓ સાથે જોડવામાં આવશે, જેથી લાભાર્થી મહિલાઓ તેનો ઉપયોગ પોતાના વ્યવસાય સંબંધિત વિવિધ જરૂરિયાતો માટે કરી શકે. યોગી સરકારની યોજના મહિલા ઉદ્યોગ સાહસિકોને ડિજિટલ પેમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન વેચાણ, નાણાકીય સેવાઓ અને આધુનિક વ્યવસાય વ્યવસ્થાપન જેવી સુવિધાઓ સાથે જોડવાની છે.




