નવી દિલ્હીઃ શહેરના લોકોને એપ્રિલથી મોંઘવારીનો નવો આંચકો લાગી શકે છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે એપ્રિલ 2026થી દિલ્હીમાં વીજળીના દરોમાં વધારો થવાની શક્યતા છે, કારણ કે દિલ્હી સરકાર ત્રણેય પાવર ડિસ્કોમ્સને 38,000 કરોડ રૂપિયા કરતાં વધુ બાકી ચુકવણી કરવાની તૈયારીમાં છે. જોકે, સરકારનો પ્રયાસ છે કે ગ્રાહકો પર તેની અસર ઓછી પડે. તેથી વીજળીના સંભવિત દરવધારા પર સબસિડી આપવાની યોજના પણ તૈયાર થઈ રહી છે. દિલ્હી સરકાર દ્વારા ત્રણ વીજ વિતરણ કંપનીઓ (Power Distribution Companies)ને 38,000 કરોડ રૂપિયા કરતાં વધુની બાકી રકમ ચૂકવવાની છે.
દિલ્હીમાં વીજળી કેમ મોંઘી થશે?
ગત વર્ષ ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે રેગ્યુલેટરી એસેટ્સ (જેમા 27,200 કરોડ રૂપિયાની કેરિંગ કોસ્ટ — એટલે કે વ્યાજ — પણ સામેલ છે) દિલ્હીની ત્રણ ખાનગી ડિસ્કોમ્સ BRPL, BYPL અને TPDDLને સાત વર્ષમાં ચૂકવવામાં આવે. રેગ્યુલેટરી એસેટ્સ એટલે એવી ખર્ચ રકમ જે ભવિષ્યમાં વસૂલ કરવાની હોય છે. છેલ્લાં 10 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન વીજ દરોમાં વધારો ન થવાને કારણે આ રકમ ઝડપથી વધી ગઈ છે.
દિલ્હી વીજ નિયામક પંચ (DERC)એ જાન્યુઆરીમાં કેન્દ્રીય એજન્સી વીજ અપીલીય ટ્રિબ્યુનલ (APTEL)ને જણાવ્યું હતું કે દિલ્હીમાં કુલ રેગ્યુલેટરી એસેટ્સ 38,552 કરોડ રૂપિયા છે. વસૂલાતમાં વિલંબ થતાં તેના પર વ્યાજ વધતાં મૂળ રકમ વધુ વધી ગઈ છે. કોર્ટે DERCને વસૂલાતની યોજના બનાવવાની, કેરિંગ કોસ્ટ (વ્યાજ)નો હિસાબ રાખવાનો અને ખર્ચ વસૂલવામાં થયેલા લાંબા વિલંબ અંગે વિગતવાર ઓડિટ કરાવવાનો પણ આદેશ આપ્યો હતો. આ રકમ સાત વર્ષ દરમિયાન વીજ બિલમાં રેગ્યુલેટરી એસેટ સરચાર્જ વધારીને વસૂલ કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ મૂળ રેગ્યુલેટરી એસેટની વસૂલાતમાં થયેલા વિલંબને કારણે તેના પર વધતા વ્યાજથી કુલ બોજો વધુ વધી ગયો છે.દિલ્હીના વીજ મંત્રી આશિષ સુદે ગયા વર્ષ માર્ચમાં જણાવ્યું હતું કે વિતરણ કંપનીઓને રેગ્યુલેટરી એસેટ્સ તરીકે જમા થયેલા આશરે 27,000 કરોડ રૂપિયા વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાજધાનીમાં વીજળીના દરોમાં વધારો થવાની સંભાવના છે.




