મોદી વિરુદ્ધ ટિપ્પણી કરનાર ગોએરના પાઈલટની હકાલપટ્ટી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટ્વિટર પર અપમાનજનક ટિપ્પણી કરનાર પોતાના એક સિનિયર પાઈલટ મિકી મલિકને ગોએર એરલાઈન કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો છે. એરલાઈનના પ્રવક્તાએ કહ્યું કે ગોએર કંપનીએ તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે પાઈલટની સેવા સમાપ્ત કરી દીધી છે. ગોએરે આવા મામલાઓમાં ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે અને એ જરૂરી છે કે તમામ કર્મચારીઓ કંપનીની નીતિઓ અને નિયમોનું પાલન કરે. આમાં સોશિયલ મિડિયા પર અંગત રીતે કરાતા વ્યવહારનો પણ સમાવેશ થાય છે.

પાઈલટ મિકી મલિકે ગયા ગુરુવારે એક જણના ટ્વીટના જવાબમાં લખ્યું હતું કે, ‘વડા પ્રધાન મૂર્ખ છે. તમે મને પણ મૂર્ખ કહી શકો છો. ભલે. મને એનો કોઈ વાંધો નથી. કારણ કે હું કંઈ વડા પ્રધાન નથી, પણ વડા પ્રધાન મૂર્ખ છે.’ મલિકે ભલે વડા પ્રધાન મોદીનો ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ આવી અપમાનજનક ટિપ્પણી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યા બાદ એણે બાદમાં એને ડિલીટ કરી દીધી હતી અને પોતાનો ટ્વિટર એકાઉન્ટ લોક પણ કરી દીધો હતો. તે પછી ગુરુવારે જ એણે એક વધુ ટ્વીટ કરીને માફી માગી હતી. એમાં તેણે લખ્યું હતું કે, ‘પીએમ વિશેના મારા ટ્વીટથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું એ બદલ માફી માગું છું. હું કહેવા માગું છું કે ગોએરને મારા કોઈ પણ ટ્વીટ સાથે સીધી કે આડકતરી રીતે સંબંધ નથી. એ મારો અંગત અભિપ્રાય હતો. હું મારા ટ્વીટની સ્વયં જવાબદારી લઉં છું અને મારી ભૂલ બદલ માફી માગું છું. સાથોસાથ, આનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર છું.’