હૈદરાબાદ: તેલંગાણામાં ભ્રષ્ટાચારવિરોધી બ્યુરો (ACB) દ્વારા એક સરકારી એન્જિનિયરનાં સ્થાનો પર દરોડા પાડતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે આ એન્જિનિયર 150 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનો માલિક છે. તેનાં સ્થાનો પરથી 10 એપાર્ટમેન્ટ, પ્રીમિયમ મિલકતો, બે કિલોગ્રામ સોનું, લક્ઝરી કારો અને મોંઘી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. ACBએ તપાસ બાદ પુષ્ટિ કરી છે કે એન્જિનિયર પાસે 150 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની સંપત્તિ મળી છે.
REDCOનો ડિવિઝનલ એન્જિનિયર નીકળ્યો કરોડપતિ
તેલંગાણા ACBએ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન (REDCO), ખૈરતાબાદ, હૈદરાબાદમાં કાર્યરત ડિવિઝનલ એન્જિનિયર મુતિયમ વેંકટ રમણા વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ નોંધ્યો છે. બુધવારે ACBએ તેમના નિવાસસ્થાન, કચેરી તેમ જ તેમના સંબંધીઓ, સહયોગીઓ અને કથિત બેનામી વ્યક્તિઓ સાથે જોડાયેલાં સાત અન્ય સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા.
ACBના જણાવ્યાનુસાર પ્રાથમિક પુરાવાઓથી સંકેત મળ્યો હતો કે તેમણે સરકારી સેવાના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર દ્વારા વિશાળ સંપત્તિ એકત્રિત કરી હતી. આ આધારે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી.
અનેક સ્થળોએ કરોડોના ફ્લેટ મળ્યા
તપાસમાં સેરિલિંગમપલ્લી અને કુકટપલ્લીમાં ચાર રહેણાક ફ્લેટ મળ્યા, જેમની નોંધાયેલ કિંમત 1.23 કરોડ રૂપિયા છે. ઉપરાંત કુકટપલ્લીના અંજનેયા નગરમાં 160 ચોરસ ગજ વિસ્તારમાં આવેલું G+3 વ્યાવસાયિક મકાન મળી આવ્યું, જેની સત્તાવાર કિંમત 1.82 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. સેરિલિંગમપલ્લીના ગુટ્ટાલા બેગમપેટ વિસ્તારમાં 250 ચોરસ ગજ જમીન પર બનેલું G+5 વ્યાવસાયિક મકાન પણ મળી આવ્યું, જેનું સત્તાવાર મૂલ્ય 2.90 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે.
Caught taking a Rs 25K bribe in 2019, yet continued in service. Now, #Telangana ACB has arrested REDCO Divisional Engineer Mutyam Venkata Ramana in a DA case uncovering 10 apartments, prime commercial buildings, flats, 2.094 kg gold, cash, vehicles, imported liquor, luxury… pic.twitter.com/66qBm3FJyU
— Ashish (@KP_Aashish) July 23, 2026
પત્નીને નામે રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ
ACBને જાણવા મળ્યું કે રમણાએ પોતાની પત્નીના નામે નોંધાયેલી ચાર બાંધકામ કંપનીઓ મારફતે રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ તેમણે અંજનેયા નગર, મુસાપેટ વિસ્તારમાં બાંધકામ હેઠળના 10 રહેણાક એપાર્ટમેન્ટ વિકસાવ્યાં છે, જેમાં અંદાજે 20 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.
ચાર કરોડ રૂપિયાથી વધુનું બે કિલોથી વધુ સોનું પણ મળ્યું
અચલ સંપત્તિઓ ઉપરાંત અધિકારીઓને 52.02 લાખ રૂપિયાની બેંક થાપણો, અંદાજે ચાર કરોડ રૂપિયા મૂલ્યના 2.094 કિલોગ્રામ સોનાના દાગીના, આશરે 45 લાખ રૂપિયા મૂલ્યની ત્રણ કારો (કિયા, મહિન્દ્રા અને મારુતિ બલેનો), 30 લાખ રૂપિયા મૂલ્યના ઘરગથ્થુ સામાન અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો તથા અંદાજે 2.5 લાખ રૂપિયા મૂલ્યની 20 દારૂની બોટલો મળી આવી હતી.




