સરકારે જાહેરાતોનો પરનો ખર્ચ ક્રમશઃ ઘટાડ્યોઃ ઠાકુર

નવી દિલ્હીઃ સરકારે જાહેરાતો પાછળનો ખર્ચ ઘટાડી દીધો છે, એમ કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગપ્રધાન અનુરાગ ઠાકુરે NCPના સંસદસભ્ય ડો. ફોઝિયા ખાનના સવાલના જવાબમાં સંસદને જણાવ્યું હતું. સરકારે નોન-કોમ્યુનિકેશન જાહેરાત જેવી કે ટેન્ડર્સ અથવા નોકરીઓની જાહેરાતમાં કાપ મૂક્યો છે.

2014 પહેલાં તમે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની જાહેરાતો જોતા હશો, પણ હવે અમે એકીકૃત જાહેરાતોની નીતિ અપનાવી છે. એનાથી સરકારે નીતિઓ વિશે જારગુકતા વધારવા મદદ મળશે અને ખર્ચ પણ ઓછો થશે, એમ તેમણે રાજ્યસભાને જણાવ્યું હતું.

આ પહેલાં 26 જુલાઈએ રાજ્યસભાને તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષોમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયામાં જાહેરાતો પર સરકારે ખર્ચ સમયાંતરે ઘટાડ્યો છે. BJDના સંસદસભ્ય સસ્મિત પાત્રાના સવાલના જવાબમાં ઠાકુરે કહ્યું હતું કે કેન્દ્રએ 2018-19માં પ્રિન્ટમાં જાહેરાત પર રૂ. 429.55 કરોડ અને ટીવીની જાહેરાતો પાછળ રૂ. 514.29 કરોડ ખર્ચ કર્યા છે. 2019-20માં પ્રિન્ટ જાહેરાતો માટે રૂ. 295.05 કરોડ, જ્યારે ઇલેક્ટ્રોનિક મિડિયા પ્લેટફોર્મ પાછળ રૂ. 316.99 કરોડ ફાળવ્યા હતા.  એ પછી સરકારે 2020-21 માટે જાહેરાતો પાછળનો ખર્ચ પ્રિન્ટમાં રૂ. 197.49 કરોડ અને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પાછળ રૂ. 167.98 કરોડ ખર્ચ કર્યો હતો.