આધાર-કાર્ડઃ દસ્તાવેજોને 10-વર્ષમાં એક-વાર અપડેટ કરી શકાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આધાર નંબરને લગતા નિયમોમાં સુધારો કર્યો છે. તે મુજબ, આધાર કાર્ડધારકો એમનાં સહાયક દસ્તાવેજોને આધાર કાર્ડ નોંધણીની તારીખથી 10 વર્ષ પૂરા થયે ઓછામાં ઓછા એક વાર અપડેટ કરી શકશે. આ અપડેટના નિર્ણયથી સેન્ટ્રલ આઈડેન્ટિટીઝ ડેટા રીપોઝિટરી (સીઆઈડીઆર)માં આધાર-સંબંધિત માહિતીની સચોટતા જળવાઈ રહેશે.

આધાર કાર્ડના ધારકો એમના નંબરની નોંધણીના 10 વર્ષ પૂરા થયે ઓછામાં ઓછા એક વાર એમના સપોર્ટિંગ દસ્તાવેજો અપડેટ કરાવી શકશે. તેઓ ઓળખની સાબિતી અને સરનામાની સાબિતી જેવા સહાયક દસ્તાવેજો સુપરત કરી શકશે, જેથી સીઆઈડીઆરમાં એમની માહિતીની સચોટતા જળવાઈ રહે.

ભારતમાં નાગરિકોને આધાર નંબર ઈશ્યૂ કરતી સરકારી એજન્સી યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યૂઆઈડીએઆઈ) દ્વારા ગયા મહિને નાગરિકોને વિનંતી કરવામાં આવી હતી કે જો એમને ઈશ્યૂ કરાયેલા આધાર નંબરને 10 વર્ષ પૂરા થઈ ગયા હોય અને એમણે તેમની વિગત અપડેટ કરાવી ન હોય તો તેઓ એમની ઓળખ તથા સરનામાની સાબિતી દર્શાવતા દસ્તાવેજો સુપરત કરીને એમના આધાર નંબર-કાર્ડને અપડેટ કરાવી લે. આધારધારકોને આ સંદર્ભમાં સુવિધા પૂરી પાડવા માટે યૂઆઈડીએઆઈ સંસ્થાએ એક નવું ફીચર ડેવલપ કર્યું છે – અપડેટ ડોક્યૂમેન્ટ. આ ફીચરને ‘માઈઆધાર’ પોર્ટલ અને mAadhaar એપ મારફત ઓનલાઈન એક્સેસ કરી શકાશે. તે ઉપરાંત નાગરિકો આધાર સેવા કેન્દ્રોમાં જઈને પણ આ સુવિધા મેળવી શકે છે.

ભારતમાં અત્યાર સુધીમાં 134 કરોડ આધાર નંબરો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આશરે 16 કરોડ લોકોએ એમના આધાર નંબરને અપડેટ કરાવ્યો હતો.