21 વર્ષની ઉંમરે જજ બનનારા મયંક પ્રતાપની સફળતાનું રહસ્ય શું છે?

જયપુર: રાજસ્થાનના મયંક પ્રતાપ સિંહે ઈતિહાસ રચી દીધો છે. તેઓ 21 વર્ષની ઉંમરે ન્યાયિક સેવા પરીક્ષા પાસ કરીને મયંક ભારતાના સૌથી યુવા જજ બનવા જઈ રહ્યાં છે. મયંકે કોઈપણ કોચિંગ ક્લાસમાં જોડાયા વગર અને સોશિયલ મીડિયાથી દૂર રહીને આ સફળતા મેળવી છે.  મંયકે આરજેએસની પરીક્ષા પાસ કરી છે અને હવે તેમની નિયુક્તી જજ તરીકે કરવામાં આવશે.

મયંકે તેની સફળતા અંગે વાત કરતા કહ્યું કે, હું સતત 6થી8 કલાક અભ્યાસ કરતો રહ્યો અને જરૂર પડયે 12 કલાક પણ વાંચન કર્યું હતું. મયંકે કાયદાનો પાંચનો વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાન ન્યાયિક સેવા પરિક્ષામાં સૌથી વધુ અંક મેળવ્યા હતા.

મયંકે તેમની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, મને પરીક્ષામાં પાસ થવાની તો આશા હતી પણ ટોપ કરીશ એવો મને સપને પણ ખ્યાલ ન હતો. યુવા જજ મયંક આ પરીક્ષા માટે ઓછામાં ઓછી વય મર્યાદા 23થી ઘટાડીને 21 કરવાના સરકારના નિર્ણયથી ખુશ છે. તેમણે કહ્યું કે, ઓછી ઉંમરની જાણકારી મળતાની સાથે જ મેં આ પરીક્ષા માટે અરજી કરી દીધી.

મયંકે કહ્યું કે, કોલેજના અભ્યાસથી મને ખુબ મદદ મળી. મે મારા જીવનમાં કદી પણ ફેસબુક એકાઉન્ટ નથી બનાવ્યુ અને પરીક્ષા દરમ્યાન મેં અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને પણ ડિએક્ટિવેટ કરી દીધા. હું ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર કાયદા સંબંધિત નવી જાણકારીઓ મેળવવા, સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટના કેટલાક રોચક નવા નિર્ણયો અંગે માહિતી મેળવવા માટે જ કરતો હતો.

તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પરથી ગાયબ રહેવા અને વોટ્સએપ, ફેસબુક પર એક્ટિવ નહીં હોવાને કારણે મારા ઘણા મિત્રોએ મારી મજાક ઉડાવી. જોકે, સમય જતા તેઓ પણ ટેવાઈ ગયા. મયંક કામ વગર લોકોને મળવાનું પણ ટાળતો હતો.

કાયદાનું ક્ષેત્ર પસંદ કરવાનું કારણ આપતા તેમણે કહ્યું કે, મેં લોકોને ન્યાયપાલિકા પર વિશ્વાસ કરતા જોયા છે. ન્યાય મેળવવા માટે લોકોને આમતેમ ભાગતા જોયા છે, એટલા માટે જ મેં આ ક્ષેત્રને મારા કેરિયર તરીકે પસંદ કર્યું. મયંકની પિતા રાજકુમાર સિંહ એક સરકારી શાળામાં આચાર્ય છે અને તેમની માતા પણ એક સરકારી શાળામાં શિક્ષિકા છે. તેમના પિતા કહે છે કે, મયંક બાળપણથી જ ખુબજ મહેનતી અને હંમેશા સ્કુલમાં પ્રથમ આવ્યો છે.