IRCTC મની લોન્ડરિંગ કેસઃ લાલુ પરિવારને મોટો આંચકો

નવી દિલ્હીઃ IRCTC મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી લાલુ પરિવારને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે લારા પ્રોજેક્ટ્સ (LARA Projects), રાબડી દેવી, તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, પી.સી. ગુપ્તા, સરલા ગુપ્તા, સુજાતા હોટેલ્સ, વિજય કોચર અને વિનય કોચર સામે મની લોન્ડરિંગના આરોપોમાં ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ સામેની તપાસ રાજકીય રીતે પ્રેરિત નહોતી. અદાલતે એમ પણ કહ્યું હતું કે પટનામાં ટ્રાન્સફર કરવામાં આવેલી જમીન ગુનાથી મેળવેલી આવક છે. આ કેસમાં કોર્ટે કેટલાક અન્ય આરોપીઓને ડિસ્ચાર્જ પણ કર્યા છે.આ આદેશ વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગને દ્વારા આપવામાં આવ્યો છે. અદાલતે મૌખિક ટિપ્પણી કરતાં કહ્યું કે રાબડી દેવી અને તેજસ્વી યાદવના હાથમાં “પદના દુરુપયોગ અને ગુનાની આવક” અંગે ગંભીર શંકા છે. તેઓ પટનામાં આવેલી તે “દાગી જમીન (Tainted Land)”નો લાભ લઈ રહ્યા છે, જે લાલુ પ્રસાદ યાદવના કહેવા પર 2005થી 2014 દરમિયાન તેમને ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે સમયે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા.

અદાલતે વધુમાં કહ્યું કે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે રેલવે અધિકારીઓ દ્વારા રાંચી અને પુરીની હોટેલોના લીઝ આપવા માટેની ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી હતી. હોટેલોના ડિરેક્ટરોએ બાદમાં પટનામાં આવેલી એક જમીનનો પ્લોટ લાલુ પ્રસાદ યાદવની નજીકની સહયોગી સરલા ગુપ્તાને ટ્રાન્સફર કર્યો હતો. ત્યાર બાદ તેમણે નજીવી રકમમાં તેના શેર રાબડી દેવીને વેચી દીધા હતા.

અદાલતે લાલુ પ્રસાદ યાદવ રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત નવ લોકો સામે મની લોન્ડરિંગના આરોપો નક્કી કર્યા છે. અન્ય સાત લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ સંબંધિત આરોપીઓને 3 ઓક્ટોબરે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

મામલો શું છે?

આ કેસ કથિત લેન્ડ-ફોર-જોબ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસનો એક ભાગ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો આરોપ છે કે રેલવેમાં કથિત નોકરીના બદલામાં જમીન મેળવવામાં આવી હતી અને ત્યાર બાદ આ સંપત્તિ સાથે જોડાયેલા વ્યવહારો દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.