દેશમાં આર્થિક વિષમતા વધી ગઈ છે, શ્રીમંત સંસદસભ્યોએ પગાર લેવાનું બંધ કરવું જોઈએઃ વરુણ ગાંધીનું સૂચન

નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય વરુણ ગાંધીએ આજે એક મહત્વનું સૂચન કર્યું છે. એમનું કહેવું છે કે દેશમાં આર્થિક વિષમતાની સ્થિતિ સર્જાઈ છે ત્યારે શ્રીમંત સંસદસભ્યોએ લોકસભાની બાકી રહેલી મુદત માટે પોતપોતાનો પગાર જતો કરવો જોઈએ.

વરુણ ગાંધીએ એમ પણ કહ્યું છે કે ચૂંટાઈ આવતા પ્રતિનિધિઓના પગાર તથા જુદા જુદા ભથ્થાં નક્કી કરવા અંગે કોઈક નવી પદ્ધતિ અપનાવવી જોઈએ.

ભારતમાં, સંસદસભ્યોને એમનો પગાર નક્કી કરવાની સત્તા મળેલી છે. તેઓ પગારમાં 100 ટકાના વધારાની માગણી કરી રહ્યા છે.

બે વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા વરુણે લોક સભાનાં સ્પિકર સુમિત્રા મહાજનને પત્ર લખીને જણાવ્યું છે કે, મેડમ સ્પિકર, મારી આપને વિનંતી છે કે આપણે આર્થિક રીતે સદ્ધર હોય એવા સંસદસભ્યોને માટે એક નવી ઝુંબેશ શરૂ કરવી જોઈએ, જેમાં શ્રીમંત સભ્યો હાલની 16મી લોકસભાની બાકી રહેલી મુદત માટે પોતપોતાનો પગાર લેવાનું જતું કરી દે. 16મી લોક સભાની બાકી રહેલી મુદત માટે સંસદસભ્યોનો પગાર સ્થગિત કરી દેવામાં આવે તો એ પણ આ દિશામાં એક આવકારદાયક પગલું ગણાશે.

ઉત્તર પ્રદેશના સુલતાનપુરના સંસદસભ્ય વરુણે કહ્યું છે કે ભૂતકાળમાં, દેશની આર્થિક સ્થિતિ નબળી પડી હતી ત્યારે એ વખતના વડા પ્રધાન નેહરુની સરકારે ત્રણ મહિના માટે સંસદસભ્યોને પગાર આપવાનું બંધ કર્યું હતું. આજે પણ દેશમાં સામાજિક અને આર્થિક વિષમતા મોટા પ્રમાણમાં વધી ગઈ છે અને આ અંતર દૂર કરવા માટે દેશના 54 અબજોપતિ સંસદસભ્યો તથા 449 કરોડપતિ સંસદસભ્યોનો પગાર તથા ભથ્થાં રદ કરવા જોઈએ.

વરુણ ગાંધીએ કહ્યું કે, દેશમાં આર્થિક વિષમતા સતત વધતી જાય છે અને દેશની કુલ સંપત્તિનો 60 ટકા હિસ્સો દેશના 1 ટકા શ્રીમંત લોકોના તાબામાં છે. 1930ના દાયકાના અંતભાગમાં આ ટકાવારી 21 ટકા કરતાંય ઓછી હતી. આ આર્થિક વિભાજન દેશની લોકશાહી માટે જોખમી છે. આપણે લોકપ્રતિનિધિઓ ગણાતા હોઈ આપણા દેશની સામાજિક-આર્થિક વાસ્તવિક્તા પ્રતિ આપણે વધારે જવાબદાર બનવું જોઈએ.

હાલ સંસદસભ્યોના પગારમાં દર મહિને રૂ. 50,000 બેઝિક સેલરી, મતવિસ્તાર ભથ્થા તરીકે રૂ. 45,000ની રકમ તથા બીજા અનેક પ્રકારના ભથ્થાંનો સમાવેશ થાય છે. ભારતમાં, સરકાર દર મહિને પ્રત્યેક સંસદસભ્યના પગાર પાછળ આશરે રૂ. 2 લાખ 70 હજાર ખર્ચે છે. 2016ની સાલમાં એકલા લોકસભાના જ 543 સભ્યો પાછળ રૂ. 176 કરોડનો ખર્ચ થયો હતો.

વરુણ ગાંધીએ કહ્યું છે કે 2009માં 319 સંસદસભ્યોની સંપત્તિ રૂ. એક કરોડથી વધારે હતી. હાલની લોકસભામાં 449 સંસદસભ્યો રૂ. એક કરોડથી વધારે સંપત્તિ ધરાવે છે. હાલની લોકસભાના 132 સભ્યોએ જાહેર કર્યું છે કે એમની પાસે રૂ. 10 કરોડથી વધુની સંપત્તિ છે. રાજ્યસભામાં તો 96 ટકા સભ્યો કરોડપતિઓ છે. ત્યાં સભ્યદીઠ સરેરાશ સંપત્તિનો આંક રૂ. 20 કરોડ છે.