નવી દિલ્હીઃ દુબઈમાં બેસીને ભારતમાં હજારો બેટિંગ પેનલ ચલાવવા, નકલી બેંક ખાતાઓ દ્વારા કરોડો રૂપિયાના વ્યવહારો કરવા, હવાલા મારફતે વિદેશમાં નાણાં મોકલવા અને કથિત રીતે સરકારી અધિકારીઓ સુધી પ્રોટેક્શન મની પહોંચાડવાના આરોપોથી ઘેરાયેલા મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ સિન્ડિકેટની તપાસમાં હવે એક મોટો વળાંક આવ્યો છે. આ નેટવર્કના મુખ્ય પ્રમોટર અને EDના કેસમાં આરોપી નંબર એક એવા સૌરભ ચંદ્રાકરને CBI ઓમાનથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવી છે.
ભિલાઈથી શરૂ થયો વ્યવસાય, દુબઈ બન્યું મુખ્ય મથક
ઈડીની તપાસ અનુસાર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ છત્તીસગઢના ભિલાઈના રહેવાસી છે અને મહાદેવ ઓનલાઈન બુકના મુખ્ય પ્રમોટર છે. બંનેએ મળીને આ નેટવર્ક ઊભું કર્યું હતું. તપાસમાં આશરે 3200થી વધુ પેનલ અને શાખાઓ મળી આવી હતી. EDના જણાવ્યાનુસાર એક પેનલ મેળવવા માટે સંચાલકે શરૂઆતમાં લગભગ રૂ. 15થી 20 લાખ સુધીની રકમ ચૂકવવી પડતી હતી. ત્યાર બાદ તેણે બેંક ખાતાં, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ કનેક્શન અને કામ કરવા માટેના લોકોની વ્યવસ્થા કરવાની રહેતી હતી. EDના જણાવ્યાનુસાર અલગ-અલગ વ્યવસ્થાઓમાં 70થી 80 ટકા સુધીનો નફો મુખ્યાલયમાં મોકલવામાં આવતો હતો.
ગ્રાહકોને કેવી રીતે ફસાવવામાં આવતા હતા અને સટ્ટો કેવી રીતે રમાતો હતો?
મહાદેવ એપના નેટવર્કમાં ગ્રાહકોને જોડવા માટે સોશિયલ મિડિયા, વેબસાઇટ, વોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હતો. ક્રિકેટ મેચ, ફૂટબોલ મુકાબલા અને અન્ય રમતગમતના કાર્યક્રમો દરમિયાન લોકોને સટ્ટા તરફ આકર્ષવામાં આવતા હતા.

રૂ. 90,000 કરોડ સુધીના વેપારનો અંદાજ
EDએ પોતાની તપાસમાં મહાદેવ ઓનલાઇન બુક અને તેની સાથે જોડાયેલા અન્ય સટ્ટાબાજીના પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલા કથિત કારોબારનો મોટો અંદાજ રજૂ કર્યો છે. એજન્સીના જણાવ્યાનુસાર મહાદેવ ઓનલાઇન બુક મારફતે કુલ અંદાજિત કારોબાર આશરે રૂ. 88,000થી 94,0000 કરોડ સુધીનો હોવાનું જણાવાયું છે. ઈડીએ આ મામલે કુલ છ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં કુલ 116 આરોપીઓનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. એજન્સીએ આ કેસમાં 14 લોકોની ધરપકડ કરી છે.
રૂ. 200 કરોડના લગ્ને નેટવર્કનાં અનેક રહસ્યો ખોલ્યાં
સૌરભ ચંદ્રાકરના ફેબ્રુઆરી 2023માં યુએઈના રાસ અલ ખૈમાહમાં યોજાયેલા લગ્ન આ સમગ્ર મામલાની તપાસમાં એક મહત્ત્વપૂર્ણ કડી બન્યા હતા. ઈડીના જણાવ્યા અનુસાર, આ લગ્નમાં આશરે રૂ. 200 કરોડ રોકડમાં ખર્ચવામાં આવ્યા હતા.




