અદનાનને પદ્મશ્રીઃ માયાવતીને કહા, મુઝકો ભી તો સુન લો…

લખનઉઃ પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને પદ્મશ્રી સમ્માન આપવાની જાહેરાત પછી સર્જાયેલા રાજકીય ઘમાસાણમાં બસપા સુપ્રીમો માયાવતી પણ જોડાયા છે. માયાવતીએ કહ્યું છે કે, જો પાકિસ્તાની મૂળના ગાયકને નાગરિકતા અને સન્માન મળી શકે છે તો પછી પાકિસ્તાની મુસ્લીમોને પણ સીએએ અંતર્ગત દેશમાં શરણ મળવું જોઈએ. માયાવતીએ કેન્દ્રની મોદી સરકારને સીએએ પર પુનર્વિચાર કરવાની સલાહ પણ આપી.

માયાવતીએ ટ્વીટ કરતા લખ્યું કે, પાકિસ્તાની મૂળના ગાયક અદનાન સામીને જ્યારે ભાજપ સરકાર નાગરિકતા અને પદ્મશ્રીથી સન્માનિત કરી શકે છે તો પછી અત્યાચારનો શિકાર બને પાકિસ્તાની મુસલમાનોને ત્યાંના હિંદુ, શીખ, ઈસાઈ સહિતના લોકોની જેમજ અહીંયા સીએએ અંતર્ગત શરણ શા માટે ન આપી શકે? કેન્દ્ર સીએએ પર પુનર્વિચાર કરે તો સારુ રહેશે.

પાકિસ્તાનથી આવીને ભારતમાં વસી રહેલા ગાયક અદનાન સામીએ પોતાને પદ્મશ્રી મળ્યાને લઈને થયેલા વિવાદ પર પોતાના અંદાજમાં જવાબ આપ્યો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા જયવીર શેરગિલના પ્રહારોનો જવાબ, પોતાનું ફેમસ ગીત “કભી તો નજર મિલાઓ” ગાઈને આપ્યો. તેમણે ભાજપના નેતા સંબિત પાત્રાના નિવેદન પર પણ “મુજ કો ભી તો લિફ્ટ કરા દે” ગાઈને જવાબ આપ્યો.

અદનાન સામીએ આ મામલે વાત કરતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે પોતાના પિતાનો ફોટો પણ બતાવ્યો. સામીએ કહ્યું કે, કોંગ્રેસની લીડરશીપે તેમને બહુ પ્રેમ આપ્યો છે પરંતુ જયવીર શેરગિલને ખ્યાલ નથી કે તેઓ શું કહી રહ્યા છે.