મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યાકાંડમાં બુધવારે સજાની જાહેરાત કરવામાં આવી હતી. અદાલતે દોષિત મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલને ફાંસીની સજા સંભળાવી છે. મુસ્કાને સાહિલ સાથે મળીને પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી હતી. બંનેને ફાંસીની સજા સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ અરવિંદ કુમારે મહાભારતનો ઉલ્લેખ કર્યો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે ગુનેગારોને તેમના ગુનાની સજા આપવી એ પણ ધર્મ છે.
મુસ્કાને તેના પ્રેમી સાહિલ સાથે મળીને માર્ચ, 2025માં પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી હતી. આ ઘટનાથી દેશમાં ચકચાર મચી ગઈ હતી. 126 સુનાવણીઓ બાદ આ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી. આ દરમિયાન સરકારી પક્ષે 22 સાક્ષીઓની પૂછપરછ કરી હતી. જિલ્લા સરકારી વકીલ કે.કે. ચૌબેએ જણાવ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ અરવિંદ કુમાર મિશ્રાની અદાલતે આ ચુકાદો આપ્યો હતો. કે.કે. ચૌબેએ જણાવ્યું હતું કે સાહિલ અને મુસ્કાનને જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ સજાના મુદ્દે દલીલો થઈ હતી અને દોષિતોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી.
મુસ્કાન અને સાહિલે પોતાનો પક્ષ રજૂ કર્યો
ચૌબેએ જણાવ્યું હતું કે સુનાવણી દરમિયાન ન્યાયાધીશે બંનેને પૂછ્યું હતું કે તેઓ સજા અંગે કંઈ કહેવા માગે છે કે નહીં. જેલ પ્રશાસનના જણાવ્યાનુસાર મુસ્કાન અને સાહિલને અલગ-અલગ રજૂ કરવામાં આવ્યાં હતાં અને બંનેએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પોલીસના જણાવ્યાનુસાર મુસ્કાને પોતાના પતિ સૌરભ રાજપૂતને નશીલો પદાર્થ આપીને બેભાન કર્યા હતા. ત્યાર બાદ સાહિલ સાથે મળીને ચાકુના ઘા મારી તેમની હત્યા કરી હતી. હત્યા બાદ સૌરભના મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા અને તેને બ્લુ ડ્રમમાં મૂકીને સિમેન્ટથી સીલ કરી દેવામાં આવ્યો હતો.
A Meerut court sentenced Muskan and her lover Sahil to death for murdering her husband and stuffing his dismembered body into a blue drum. District Judge Arvind Kumar pronounced the sentence after nearly one and a half years. Both appeared via video conferencing from jail and remained silent during the hearing. The court examined 22 witnesses, including sellers of the drum, knife and medicines.
— IANS (@ians_india) October 14, 2026
મુસ્કાન અને સાહિલ હિમાચલ પ્રદેશ ભાગી ગયાં હતાં
પોલીસના જણાવ્યાનુસાર હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ મુસ્કાન અને સાહિલ હિમાચલ પ્રદેશ ચાલ્યાં ગયાં હતાં. પોલીસે 18 અને 19 માર્ચ, 2025એ બંનેની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બંનેને કડક સુરક્ષા વચ્ચે અદાલતમાં રજૂ કરવામાં આવતાં આક્રોશિત વકીલોએ સાહિલની મારપીટ પણ કરી હતી.




