નવું સંસદભવન બાંધવાનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને મળ્યો

નવી દિલ્હીઃ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા નવા સંસદભવન બિલ્ડિંગનો કોન્ટ્રેક્ટ હાંસલ કરી લીધો છે. સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે (CPWC) સંસદભવનની નવી ઈમારતના નિર્માણ માટે ફાઇનાન્સિયલ બિડ્સ મગાવ્યા હતા, જેમાં ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડે 861.90 કરોડની બોલી રજૂ કરી હતી, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડે 865 કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું.

સરકારે મુંબઈની ત્રણ કન્સ્ટ્રક્શન કંપનીઓ- લાર્સન એન્ડ ટુબ્રો લિ., ટાટા પ્રોજેક્ટસ લિ. અને શાપુરજી પાલનજી એન્ડ કંપની પ્રા. લિ.ને નવું સંસદ ભવન બનાવવા માટે વિકલ્પોની યાદીમાંથી શોર્ટ લિસ્ટ કરી હતી. જોકે સરકારે આ યાદીમાંથી અન્ય ચાર કંપનીઓનાં ટેન્ડર્સને નકારી કાઢ્યાં હતાં. હાઉસિંગ એન્ડ અર્બન મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું સંસદભવનના ટેન્ડરની ડિઝાઇનને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.

નવી પાર્લામેન્ટનું બાંધકામ, જેમાં લોકસભા અને રાજ્યસભા માટે બેસવાની ક્ષમતાની સાથેનો હોલ સામેલ હશે, સંસદના સભ્યો માટે ઓફિસ, એની સાથે ભોજનની સુવિધા અને સંસદસભ્યો માટે લાઉન્જ, ગાર્ડન હશે. જોકે સંસદના શિયાળુ સત્ર પછી  કામ શરૂ થવાની શક્યતા છે અને 2022ના અંત સુધી એ પૂરું થવાની શક્યતા છે. CPWDએ કહ્યું હતું કે હાલની પાર્લામેન્ટ આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યાં સુધી ચાલુ રહેશે. હાલની સંસદની સામે જ નવી પાર્લમેન્ટનું નિર્માણ થશે.