મમતા બેનર્જીની 11માંથી નવ યુનિવર્સિટીઓમાં નથી સ્થાયી શિક્ષકો

0

કોલકાતાઃ જાન્યુઆરી, 2017માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી યુનિવર્સિટી જેવી નવી યુનિવર્સિટી જાહેર કરતી વખતે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની સરકાર વિશ્વ સ્તરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બનાવશે. તેમણે કહ્યું હતું કે બંગાળના વિદ્યાર્થીઓએ શિકાગો અને હાર્વર્ડ કેમ જવું જોઈએ, જ્યારે આપણે અહીં જ શિકાગો અને હાર્વર્ડ જેવી યુનિવર્સિટી બનાવી શકીએ? બંગાળમાં અમારી સરકાર આવતાં પહેલાં 13 યુનિવર્સિટીઓ હતી. અમે છેલ્લા પાંચ વર્ષમાં 16 નવી યુનિવર્સિટીઓ બનાવી છે.

મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની TMC સરકાર 2011માં પ્રથમ વખત સત્તામાં આવી હતી. 2017 અને 2018 વચ્ચે રાજ્ય સરકારે દાર્જિલિંગ, અલીપુરદ્વાર, બાલુરઘાટ, મુર્શિદાબાદ, હુગલી, નાદિયા, નોર્થ 24 પરગણા, ઝારગ્રામ, પશ્ચિમ મેદિનીપુર, હાવડા અને બીરભૂમમાં 11 યુનિવર્સિટીઓ બનાવવાની જાહેરાત કરી. મોટા ભાગની યુનિવર્સિટીઓમાં 2021થી ક્લાસ શરૂ થયા હતા. આ વર્ષની જાન્યુઆરીમાં દાર્જિલિંગ હિલ યુનિવર્સિટી સિવાય બાકીની તમામ યુનિવર્સિટીઓને કાનૂની માન્યતા અને ડિગ્રી આપવાનો અધિકાર મળી ગયો હતો.

પશ્ચિમ બંગાળમાં છેલ્લાં 15 વર્ષથી TMC સરકાર સત્તામાં છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર પર પ્રશ્નો ઊઠી રહ્યા છે. ભાજપ શિક્ષક ભરતી સંબંધિત કૌભાંડોને લઈને સરકારને નિશાન બનાવી રહી છે, જેમાં TMCના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ફસાયા છે. નવી યુનિવર્સિટીઓ જગ્યા અને ફેકલ્ટીની અછતનો સામનો કરી રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.

 16 નવી યુનિવર્સિટીઓની જાહેરાત

મમતાએ કુલ 16 નવી યુનિવર્સિટીઓ બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં  સાત યુનિવર્સિટીઓ હજુ પણ અસ્થાયી જગ્યાએથી ચાલે છે. નવ યુનિવર્સિટીઓમાં સ્થાયી ફેકલ્ટી નથી અને મોટા ભાગે UGC દ્વારા નક્કી કરાયેલા પ્રતિ ક્લાસ રૂ. 500ના દરે કામ કરતા ગેસ્ટ લેક્ચરર પર નિર્ભર છે.

ઘણી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. હાલ આમાંથી આઠ યુનિવર્સિટીઓમાં આશરે 17,000 વિદ્યાર્થીઓ દાખલ છે, જ્યારે ત્રણ યુનિવર્સિટીઓએ ચોક્કસ આંકડા આપ્યા નથી.