લખનૌઃ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે બેઠકોની વહેંચણીને મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે. સોમવારે દિલ્હીમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે બંને પક્ષના નેતાઓની બેઠક યોજાવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસે 181 બેઠકોની યાદી (કુલ વિધાનસભા બેઠકોના 45 ટકા) સોંપી છે, પરંતુ સમાજવાદી પાર્ટી આટલી મોટી ભાગીદારી આપવા તૈયાર નથી. સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે રાજ્યમાં છેલ્લા કેટલાંક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ઉત્તર પ્રદેશમાં કુલ 403 વિધાનસભા બેઠકો છે.
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું હોવા છતાં તેણે 181 બેઠકોની માંગ શા માટે કરી છે? આ અંગે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામોએ રાજકીય સમીકરણો બદલી નાખ્યાં છે. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે છેલ્લી વિધાનસભા ચૂંટણીઓમાં પક્ષનું પ્રદર્શન એક પાસું છે. પરંતુ અમારું મુખ્ય ધ્યાન 2024ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર છે. કોંગ્રેસે છ લોકસભા બેઠકો જીતી હતી અને 11 બેઠકો પર પણ તેને નોંધપાત્ર મત મળ્યા હતા. ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં પક્ષના કાર્યકરો છે. પક્ષ ઇચ્છે છે કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક બેઠક પર ચૂંટણી લડવામાં આવે, જેથી પક્ષના કાર્યકરો ચૂંટણી પ્રચારમાં સક્રિય રહી શકે.
2017ના બેઠક વહેંચણી કરારનો આપ્યો હવાલો
કોંગ્રેસના નેતાએ 2017ના બેઠક વહેંચણી કરારનો પણ હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો 2017માં પાંચ વર્ષ સુધી બહુમતીની સરકાર ચલાવ્યા પછી સપા કોંગ્રેસને 114 બેઠકો આપી શકે છે, તો હવે 2027માં જ્યારે તે 10 વર્ષથી સત્તાની બહાર છે, ત્યારે અમને 181 બેઠકો શા માટે ન આપી શકે?

100 બેઠકો કરતાં ઓછી બેઠકો પર સમજૂતી નહીં થાય
કોંગ્રેસના અન્ય એક નેતાએ કહ્યું કે પક્ષ 100થી વધુ બેઠકો પર ચૂંટણી લડવાના પોતાના વલણ પર અડગ છે. તેમણે કહ્યું હતું કે 100 બેઠકો કરતાં ઓછી બેઠકો પર કોઈ સમજૂતી નહીં થાય.




