ઓરેકલ 3000 નોકરીઓની કરશે છટણી

નવી દિલ્હીઃ દેશમાં ટેક સેક્ટરમાં મોટા પાયે કર્મચારીઓની છટણીના સમાચાર સામે આવ્યા છે. માઇક્રોસોફ્ટે લગભગ 500 કર્મચારીઓને પર્ફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન (PIP) પર મૂક્યા છે, જ્યારે ઓરેકલ લગભગ 3000 કર્મચારીઓની છટણી કરી રહી છે. કંપનીઓ પોતાના બિઝનેસ અને ટીમોનું પુનર્ગઠન કરી રહી છે. આ અંતર્ગત બજેટને નવાં ક્ષેત્રોમાં ફાળવવામાં આવી રહ્યું છે, જેને કારણે અનેક કર્મચારીઓની નોકરીઓ પર અસર પડી રહી છે. અહેવાલ મુજબ માર્કેટ રિસર્ચ ફર્મ EIIRTrendના ચીફ એક્ઝિક્યુટિવ પારીખ જૈને જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના લગભગ બે ટકા કર્મચારીઓ એટલે કે આશરે 400થી 500 લોકો કંપનીની વૈશ્વિક PIP પ્રક્રિયાથી પ્રભાવિત થઈ શકે છે.

જૈનના અંદાજ મુજબ ઓરેકલમાં છટણીના નવા રાઉન્ડથી 2000થી 3000 કર્મચારીઓ પ્રભાવિત થઈ શકે છે અને આ છટણી પહેલી સપ્ટેમ્બરથી અમલમાં આવશે. એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર કંપની ઓરેકલમાં ભારતમાં લગભગ 30,000 કર્મચારીઓ કામ કરે છે. છટણીના અગાઉના રાઉન્ડમાં દેશમાં કંપનીના આશરે 12,000 કર્મચારીઓ પ્રભાવિત થયા હતા. એક ઇન્ડસ્ટ્રીના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે PIP જરૂરી નથી કે છટણીનો વિકલ્પ હોય. તે નિયમિત પર્ફોર્મન્સ મેનેજમેન્ટ પ્રક્રિયાનો પણ એક ભાગ હોઈ શકે છે. અહેવાલ મુજબ માઇક્રોસોફ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની પાસે ફોર્મલ પર્ફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન અને ગ્લોબલ વોલન્ટરી સેપરેશન એગ્રીમેન્ટની પ્રક્રિયા છે. જે કર્મચારીઓ તેમની ભૂમિકાની અપેક્ષાઓ પૂરી કરી શકતા નથી, તેમને કોચિંગ, PIP, સ્વૈચ્છિક રીતે અલગ થવું અથવા નોકરીમાંથી દૂર થવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

પ્રવક્તાએ કહ્યું હતું કે વિશ્વભરમાં PIP પર રહેલા કર્મચારીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે માઇક્રોસોફ્ટ વ્યક્તિગત કર્મચારીઓના મામલાઓ પર ચર્ચા કરતી નથી અને પ્રાદેશિક સ્તરે અલગ આંકડા પણ જાહેર કરતી નથી.