ભ્રષ્ટાચાર મામલે પિનરાઈ વિજયન સામે FIR નોંધવાનો આદેશ

નવી દિલ્હીઃ કેરળ હાઈકોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં ભૂતપૂર્વ CM પિનરાઈ વિજયન, તેમની પુત્રી અને જમાઈ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ મામલો વિજયનની પુત્રી વીણાની IT કંપનીને ગેરકાયદે નાણાં ચૂકવવામાં આવ્યા હોવાના આરોપો સાથે સંબંધિત છે.

EDએ FIR નોંધવાની ભલામણ કરી હતી

ED આ મામલાની તપાસ કરી રહી છે કે કેરળમાં સીપીઆઈ (એમ)ની સરકાર દરમિયાન કોચીની કંપની ‘કોચિન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ’ (સીએમઆરએલ)એ વીણાની કંપની ‘એક્સાલોજિક સોલ્યુશન્સ’ને કથિત રીતે ગેરકાયદે નાણાં ચૂકવ્યાં હતાં કે નહીં. મોહમ્મદ રિયાસ કેરળ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ સીપીઆઈ (એમ)ના રાજ્ય સચિવાલયના સભ્ય પણ છે.

કોંગ્રેસ સરકારે તપાસના આદેશ આપ્યા હતા

સીધી FIR નોંધવાને બદલે કેરળની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે રાજ્યની ક્રાઇમ બ્રાન્ચને પ્રાથમિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારનું કહેવું હતું કે તપાસનાં પરિણામોને આધારે FIR નોંધવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણયને પડકારતાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વી.એસ. અચ્યુતાનંદનના ભૂતપૂર્વ વધારાના અંગત સચિવ કે.એમ. શાજહાને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કાનૂની કાર્યવાહી દરમિયાન ED પણ સામેલ થઈ હતી. રાજ્ય સરકાર સહિત તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ એ. બદરુદ્દીને અરજી સ્વીકારી અને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. EDએ કોર્ટમાં દલીલ કરી હતી કે રાજ્યની ક્રાઇમ બ્રાન્ચ આ મામલે પ્રાથમિક તપાસ કરી શકે નહીં અને તેની ભલામણને આધારે તાત્કાલિક FIR નોંધવી જોઈએ. જોકે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે આ અરજી સુનાવણીને પાત્ર નથી અને તપાસ એજન્સી FIR નોંધતાં પહેલાં પ્રાથમિક તપાસ કરી શકે છે.

EDએ શું આરોપ લગાવ્યા હતા?

EDનો આરોપ છે કે સીએમઆરએલએ વીણાની કંપની ‘એક્સાલોજિક સોલ્યુશન્સ’ને આઈટી કન્સલ્ટન્સી ફી તરીકે રૂ. 2.78 કરોડ ચૂકવ્યા હતા, જ્યારે કંપનીએ કોઈ સેવા આપી નહોતી. આવકવેરા વિભાગે આ શંકાસ્પદ ચુકવણીઓનો ખુલાસો કર્યો હતો. આ ચુકવણીઓ પિનરાઈ વિજયનના મુખ્ય મંત્રી તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હોવાનું કહેવાય છે. મે મહિનામાં EDએ કોઝિકોડ જિલ્લામાં વિજયન સાથે સંબંધિત પરિસરો અને સ્થાનિક સીપીઆઈ (એમ)ના નેતાઓ સાથે જોડાયેલા આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDએ દાવો કર્યો હતો કે આ દરોડા દરમિયાન હવાલા મારફતે નાણાંની હેરફેરના પુરાવા મળ્યા હતા.