12 વર્ષથી ગેરકાયદે કબજો ધરાવનાર વ્યક્તિ બની જશે મિલકત માલિક: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- જો તમારી સ્થાવર મિલકત એટલે કે, ઘર, પ્રોપર્ટી કે જમીન પર કોઈએ કબ્જો જમાવી લીધો હોય તો તમારે તેને ત્યાંથી હટાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ. તમારી સંપત્તિ પર કોઈએ ગેરકાયદે કબજો કર્યો હોવાની વાતને કોર્ટમાં પડકારવામાં વિલંબ કરશો તો કદાજ એ સંપત્તિ કાયમ માટે તમારા હાથમાંથી નીકળી જશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક મોટો ચૂકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જો વાસ્તવિક કે કાયદેસર માલિક સ્થાવર મિલકત પર બીજી વ્યક્તિના કબજાને પોતાના હસ્તક લેવા માટે અમુક સમય મર્યાદા અંદર એક્શન નહીં લે તો તેનો માલિકીનો હક સમાપ્ત થઈ જશે અને એ સંપત્તિ જેણે કબજો જમાવ્યો છે તેની થઈ જશે. એટલું જ નહી, તે વ્યક્તિને પ્રોપર્ટી પર કાયદાકીય રીતે બધાં જ લાભ આપવામાં આવશે. જોકે, સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર દબાણને આમાં સામેલ કરવામાં નહીં આવે. એટલે કે સરકારી જમીનને ગેરકાયદે પચાવી પાડવાને કાયદાકીય માન્યતા નહીં મળી શકે.

ત્રણ જજની બેન્ચે કરી કાયદાની વ્યાખ્યા

લિમિટેશન એક્ટ 1963 અંતર્ગત પ્રાઈવેટ સંપત્તિ પર લિમિટેશનની અવધિ 12 વર્ષ અને સરકારી સંપત્તિમાં 30 વર્ષ છે. આ મર્યાદા કબ્જાના દિવસથી શરૂ થયેલી ગણાય છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ એસ.અબ્દુલ નજીર અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે કાયદાની જોગવાઈઓની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે જે વ્યક્તિએ અચલ સંપત્તિ પર 12 વર્ષથી વધુ સમય કબજો રાખ્યો છે, કાયદો તેના પક્ષમાં છે. જો 12 વર્ષ પછી તેને હટાવવામાં આવે તો તેની પાસે સંપત્તિ ફરી મેળવવા માટે કાયદાના શરણમાં જવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ત્રણ જજની બેન્ચે જણાવ્યું કે, અમારો નિર્ણય છે કે સંપત્તિ પર જેનો કબ્જો છે, તેને બીજી કોઈ વ્યક્તિ યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના ત્યાંથી હટાવી ન શકે. જો કોઈએ 12 વર્ષથી ગેરકાયદેસર કબ્જો કરી રાખ્યો હોય તો કાયદાકીય માલિક પાસે તેને હટાવવાનો અધિકાર નથી. આવી સ્થિતિમાં ગેરકાયદેસર સંપત્તિ પચાવી પાડનારને જ કાયદાકીય અધિકાર, માલિકીનો હક મળશે.

12 વર્ષ પછી હાથમાંથી નીકળી જશે સંપત્તિ

સુપ્રીમે તેના ચૂકાદામાં સ્પષ્ટ કર્યું છે કે જો કોઈએ 12 વર્ષ સુધી ગેરકાયદે કબજો રાખ્યો હોય તે પછી તેણે કાયદાકીય રીતે પોતાની માલિકીનો હક પ્રાપ્ત કરી લીધો તો તેને મૂળ (કાયદેસર) માલિક હટાવી ન શકે. જો જબરદસ્તી કબજો હટાવવામાં આવશે તો અસલી માલિક વિરુદ્ધ તે કેસ કરી શકે છે અને સંપત્તિ પાછી મેળવવાનો દાવો કરી શકે છે કારણ કે મૂળ માલિક 12 વર્ષ બાદ પોતાની માલિકીનો હક ગુમાવી દે છે.