PM મોદીની રિટર્ન ગિફ્ટઃ રશિયન નાગરિકોને મળશે 30 દિવસના ઈ-ટુરિસ્ટ વિઝા

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ રશિયન નાગરિકોને મોટી ભેટ આપી છે. તેમણે કહ્યું હતું કે ‘અમે ટૂંક સમયમાં રશિયન નાગરિકો માટે મફત 30 દિવસના ઈ-ટુરિસ્ટ વિઝા અને 30 દિવસના ગ્રુપ ટુરિસ્ટ વિઝા શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી મિત્રતા આવતા સમયમાં વૈશ્વિક પડકારોનો સામનો કરવા અમને શક્તિ આપશે.

ભારત-રશિયા વચ્ચેના સંબંધોને લઈને PM મોદીએ કહ્યું  હતું કે આજે રાષ્ટ્રપતિ પુતિન અને મને ભારત-રશિયા બિઝનેસ ફોરમમાં જોડાવાની તક મળી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મંચ અમારા વેપારી સંબંધોને નવી શક્તિ આપશે. આથી એક્સપોર્ટ, કો-પ્રોડક્શન અને કો-ઇનોવેશનના નવા દરવાજા ખૂલશે. બંને પક્ષ યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથેના FTAના ઝડપથી સમાપ્ત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

સામે પક્ષે પુતિને ન્યુક્લિયર પ્લાન્ટને લઈને મહત્વપૂર્ણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે ભારત માટે ન્યુક્લિયર પ્લાન્ટ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. છમાંથી ત્રણ રિએક્ટર પહેલેથી જ એનર્જી નેટવર્ક માટે કામ કરી રહ્યા છે. પુતિને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન મોદીના આ ઉષ્માભર્યા સ્વાગત માટે હું દિલથી આભાર માનું છું. ગઇ કાલે ભોજન દરમિયાન જે ચર્ચા થઈ હતી, તે ખૂબ મહત્વપૂર્ણ હતી. તેના માટે આભાર. અમે મિત્રતા અને ભાગીદારીના ભાવથી વાતચીત કરી છે. અમે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કર્યો છે.