ફાયરિંગને મામલે પોલીસે ખાન સર સામે નોંધી FIR

પટનાઃ પોલીસે શુક્રવારે ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’ના સંચાલક ફૈસલ ખાન સામે FIR નોંધી છે. ફૈસલ ખાન સોશિયલ મિડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ ‘ખાન સર’ તરીકે ઓળખાય છે. ગુરુવારે પોલીસે આ કોચિંગ સંસ્થાના બે સુરક્ષા ગાર્ડોને ફાયરિંગના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. સિટી એસપી (સેન્ટ્રલ) કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ કદમકુઆં પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ છે. આરોપ છે કે મંગળવારની રાત્રે 15થી 20 લોકોએ ‘ખાન ગ્લોબલ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ’માં તોડફોડ કરી હતી અને કેમ્પસમાં પથ્થરમારો કર્યો હતો.

ફાયરિંગના વિડિયો આવ્યા હતા સામે

આ મામલે ફાયરિંગના બે વિડિયો સામે આવ્યા હતા. એક વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ખાન સર’ના સુરક્ષા ગાર્ડોએ ફાયરિંગ કરી હતી. જણાવવામાં આવ્યું હતું કે આ વિડિયો બીજી જૂનની રાત્રિનો છે અને એ જ રાત્રે ‘ખાન સર’ના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર હુમલો થયો હતો.

ખાન સરે ફાયરિંગનો આરોપ લગાવ્યો હતો

પોલીસના જણાવ્યા મુજબ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયા હોવાની શંકા ધરાવતાં હથિયારો જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. ખાન સરે આરોપ મૂક્યો હતો કે પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાથી જોડાયેલા લોકોએ ફાયરિંગ કર્યું હતું. જોકે બાદમાં તેમણે કહ્યું હતું કે ખરેખર ફાયરિંગ થયું હતું કે નહીં તે માત્ર પોલીસ તપાસથી જ સ્પષ્ટ થઈ શકે છે. પોલીસે આ કેસમાં ખાન સરના પ્રતિસ્પર્ધી કોચિંગ સંસ્થાના સંચાલક રોશન આનંદ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. રોશન આનંદે દાવો કર્યો હતો કે આ સમગ્ર ઘટનાનું કાવતરું ખુદ ખાન સરે જ રચ્યું હતું.