કોલસાની અછતથી દિલ્હીમાં વીજસંકટઃ રેલવની 670 ટ્રેનો રદ

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર દ્વારા એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આગામી 24 કલાકમાં દિલ્હીમાં વીજ પુરવઠામાં ઘટાડો કરવામાં આવશે, જેની અસર દિલ્હી મેટ્રો અને હોસ્પિટલો પર પડી શકે છે. આ નોટિફિકેશન ત્યારે જારી કરવામાં આવ્યું છે, જ્યારે દેશમાં ગરમીને કારણે વીજ માગ મહત્તમ સ્તરે છે અને દેશ કોલસાની અછતનો સામનો કરી રહ્યો છે.  

આ નોટિફિકેશન મુજબ દાદરી નેશનલ કેપિટલ પાવર સ્ટેશન અને ફિરોઝ ગાંધી ઉચાર થર્મલ પાવર સ્ટેશનથી વીજ પુરવઠામાં ઘટાડાને કારણે દિલ્હીમાં કેટલાક કલાક માટે વીજકાપ થવાની શક્યતા છે. દિલ્હીના વીજપ્રધાન સત્યેન્દ્ર જૈન કોલસાનો પર્યાપ્ત પુરવઠા માટે કેન્દ્ર સરકારને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં દાદરી-ll અને ઊંચાહાર પાવર સ્ટેશન પર માત્ર એક-બે દિવસનો કોલસાનો સ્ટોક બચ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. દિલ્હીના દાદરી-ll, ઊંચાહાર, કહલગાંવ, ફરક્કા ઝઝ્ઝર પાવર પ્લાન્ટ મળીને કુલ 1751 મેગાવોટ વીજ પુરવઠો પૂરો પાડે છે.

એપ્રિલમાં ભીષણ ગરમીને દિલ્હીની સાથ-સાથે દેશના અન્ય ભાગોમાં પણ વીજ માગ ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં સૌપ્રથમ વાર એપ્રિલમાં વીજ માગ 6000 મેગાવોટના સ્તરને પાર કરી ગઈ છે. પહેલી એપ્રિલે દિલ્હીમાં વીજ માગ 4469 મેગાવોટ હતી. વળી, પાવર ડિસ્કોમના અધિકારીઓના જણાવ્યાનુસાર આ વર્ષે દિલ્હીમાં વીજ માગ 8200 મેગાવોટના સ્તરે પહોંચે એવી શક્યતા છે.

દેશમાં વીજ માગ વધવાને કારણે કોલસાની ખપતમાં વધારો થયો છે. પાવર પ્લાન્ટોની કોલસાની જરૂરિયાતોને પહોંચી વળવા રેલવે પર કોલસાને પ્લાન્ટોમાં પહોંચાડવાનું દબાણ વધી ગયું છે, જેથી રેલવેએ છેલ્લાં કેટલાંક સપ્તાહોથી દૈનિક ધોરણે મેઇલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોને રદ કરવી પડી છે. રેલવેએ 24 મે સુધી 670 પેસેન્જર ટ્રેનો રદ કરી છે, જેમાં 500થી વધુ મેઇલ-એક્સપ્રેસ ટ્રેનો છે.