ખડગેના શુદ્ધીકરણ વિવાદ પર રાહુલ ગાંધીનો ભાજપ-RSS પર હુમલો

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર અને RSS પર નિશાન સાધ્યું હતું. એ સાથે જ કોંગ્રેસ સાંસદે મલ્લિકાર્જુન ખડગેની હલ્દવાની ખાતે યોજાયેલી જનસભાનો ઉલ્લેખ કરીને FIR નોંધવાની માગ કરી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજસ્થાનમાં અમારા દલિત સાંસદ એક મંદિરમાં જાય છે અને ભાજપના નેતા ત્યાં ‘શુદ્ધીકરણ’ની વિધિ કરે છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેજી, જેમણે પોતાનું આખું જીવન દેશ અને બંધારણને સમર્પિત કર્યું છે, તેઓ હલ્દવાનીના રામલીલા મેદાનમાં ભાષણ આપવા જાય છે અને ત્યાં પણ શુદ્ધીકરણની વિધિ કરવામાં આવે છે. આવું કોણ કરે છે? આ ભાજપ અને RSSના લોકો કરે છે. માત્ર ભાજપ અને RSSના સભ્યો જ આવું કરે છે અને આ એક ગુનો છે.

રાહુલ ગાંધીએ તેને ગુનો ગણાવતાં કહ્યું હતું કે ભારતના બંધારણ હેઠળ આ એક ગુનો અને ગુનાહિત પ્રવૃત્તિ છે. શુદ્ધીકરણખરેખર અસ્પૃશ્યતાનું જ બીજું નામ છે. અસ્પૃશ્યતાને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે, તેમ છતાં ભાજપના સભ્યો ખુલ્લેઆમ તેનું પાલન કરે છે. જ્યારે તેઓ આ પ્રકારનું શુદ્ધીકરણ કરે છે, ત્યારે તેઓ અસરકારક રીતે કહી રહ્યા હોય છે કે દલિતોને સ્પર્શવા જોઈએ નહીં, દલિતો અપવિત્ર છે અને આ ભારતીય બંધારણ હેઠળ ગુનો છે.

રાહુલ ગાંધીએ FIR નોંધવાની માગ કરી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ FIR નોંધવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે આ કૃત્ય અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અધિનિયમનું ઉલ્લંઘન છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી અમારી માગ છે કે ઉત્તરાખંડમાં આ શુદ્ધીકરણ હવન કરનારાઓ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. વડા પ્રધાન દરેક જાતિ સાથે જોડાયેલા અને સમગ્ર ભારતના વડા પ્રધાન હોવાનો દાવો કરે છે. તેમ છતાં તેમની પાર્ટીના પ્રમુખ કહે છે કે શુદ્ધીકરણ યોગ્ય હતું. અમે ઇચ્છીએ છીએ કે વડા પ્રધાન આ લોકો સામે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ તાત્કાલિક FIR નોંધવાનો આદેશ આપે. ઉત્તરાખંડમાં ખડગેજીને ન્યાય અપાવવો એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ફરજ છે.આ માત્ર મલ્લિકાર્જુન ખડગેનો મુદ્દો નથી: રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે (મલ્લિકાર્જુન ખડગેએ) કહ્યું હતું કે કેટલાક લોકો તેમનું સમર્થન કરતા નથી. તેમણે એવું બિલકુલ કહ્યું નહોતું કે કોંગ્રેસના મોટા ભાગના લોકો તેમનું સમર્થન કરતા નથી. મેં તેમનું સમર્થન કર્યું હતું. અન્ય ઘણા લોકોએ પણ તેમનું સમર્થન કર્યું હતું. તેઓ એવા કેટલાક લોકો તરફ ઈશારો કરી રહ્યા હતા, જેમના વિશે તેમને લાગતું હતું કે તેઓ તેમનું સમર્થન કરતા નથી. મેં આ અંગે ખડગેજી સાથે વાત કરી છે. આ માત્ર ખડગેનો મુદ્દો નથી. આ ભારતના દરેક દલિત વ્યક્તિનો મુદ્દો છે. અમે આ મુદ્દો અહીં ઉઠાવ્યો છે.