કોરોનાના ઊંચા મૃત્યુદરે ખોલી ગુજરાત મોડલની પોલ: રાહુલ ગાંધી

નવી દિલ્હી: ભારતના ઘણા રાજ્યોમાં કોરોના વાઈરસ દિવસે દિવસે વકરી રહ્યો છે, દેશમાં દરરોજ હજારો કેસ સામે આવી રહ્યા છે, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુદર ખૂબ ઊંચો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હવે આ મામલે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કોરોનામાં સૌથી વધુ મૃત્યુદરના આંકડાએ ગુજરાત મોડલની પોલ ખોલી નાંખી છે. ગુજરાત મોડલનું સત્ય સામે આવ્યું છે.

રાહુલ ગાંધીએ કેટલાક આંકડા શેર કર્યા હતા જે મુજબ, ગુજરાતમાં કોરોના વાઈરસનો મૃત્યુદર 6.25 ટકા છે જે સૌથી વધારે છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુદરનો આંકડો સમગ્ર દેશના મૃત્યુદરના આંકથી બમણો છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં ગુજરાતની સરખામણી કોંગ્રેસ શાસિત રાજ્યોની સાથે કરી છે. રાહુલ ગાંધીએ તેમની ટ્વિટમાં મીડિયા રિપોર્ટ પણ શેર કર્યો છે. જે મુજબ, ગુજરાતમાં કોરોનનો મૃત્યુદર 6.25 ટકા, મહારાષ્ટ્ર 3.73 ટકા, રાજસ્થાન 2.32 ટકા, પંજાબ 2.17 ટકા, પુડુચેરી 1.98 ટકા, ઝારખંડ 0.5 ટકા અને છત્તીસગઢમાં 0.35 ટકા મૃત્યુદર છે.

આ પહેલા ગઈકાલે પણ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ભારતમાં લગાવેલા લોકડાઉનથી સાબિત થાય છે કે, આજ્ઞાનતાથી વધુ ખતરનાક અહંકાર હોય છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ કેસ 23 હજારથી વધારે છે. જ્યારે 1400થી વધારે લોકોના મોત નીપજ્યાં છે. જો તમિલનાડુ સાથે ગુજરાતની સરખામણી કરીએ તો, ત્યાં કુલ પોઝિટિવ કેસ 44 હજારથી વધુ છે, પરંતુ મોતનો આંકડો 435 જ છે. આજ કારણ છે કે, ગુજરાતને લઈને સતત સવાલ ઉઠી રહ્યાં છે.