રાહુલ, પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવાની મંજૂરી

નવી દિલ્હીઃ યુપીના લખીમપુર ખીરીમાં થયેલાં આઠ મોતને મામલે વિવાદ ચરમસીમાએ છે અને અત્યાર સુધી શાંત નથી થયો. જોકે આખરે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી દીધી છે. તેઓ તેમની સાથે પાંચ વ્યક્તિને લઈ જઈ શકે છે.

આ પહેલાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુપી અને કેન્દ્ર સરકાર પર તીખો હુમલો કર્યો હતો. જોકે હવે રાહુલ લખીમપુર જવા નીકળી ગયા છે. તેઓ ફ્લાઇટથી લખનઉ જઈ રહ્યા છે, ત્યાંથી તેઓ લખીમનપુર ખીરી જશે.

જોકે આ પહેલાં  પીડિતોને મળવા જઈ રહેલાં કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાની ધરપકડ કરવામાં આવી છે. તેમને સીતાપુરના પીએસી ગેસ્ટમાં ધરપકડ કરીને રાખવામાં આવ્યાં છે, ત્યારે તેમની સામે FIR નોંધવામાં આવ્યો છે. આ મામલે પ્રિયંકા ગાંધી વડરાએ આરોપ લગાવતાં કહ્યું હતું કે મને 38 કલાક સુધી ગેરકાયદે રીતે નજરકેદ કરવામાં આવી છે અને તેમણે આરોપ મૂક્યો હતો કે તેમને તેમના સલાહકાર વકીલને મળવાની મંજૂરી નથી આપવામાં આવી. કોંગ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા પ્રિયંકાના સત્તાવાર નિવેદન મુજબ તેમને કોઈ આદેશ કે નોટિસ આપવામાં આવી તેમ જ તેમની સામે FIR પણ જોયો નથી.

મંગળવારે મોડી રાતે પ્રિયંકાએ કહ્યું હતું કે પોલીસ, વહીવટી તંત્ર અને સરકારે એ નથી જણાવ્યું કે તેમને કયાં કારણોસર ધરપકડ કરવામાં આવી છે. તેમનું કહેવું હતું કે CO સિટી પીયૂષકુમાર સિંહને કલક 151 હેઠળ ધરપકડ કરવાની મૌખિક માહિતી આપી હતી.