જ્વેલર્સના શોરૂમમાં કરોડોની લૂંટઃ આઠ લૂંટારુઓએ મચાવ્યો આતંક

બેતિયા: બિહારના બેતિયામાં બુધવારે ધોળા દિવસે લૂંટારુઓએ પોલીસને ખુલ્લો પડકાર આપતાં કરોડોની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. શહેરના જાણીતા ‘સેન્કો જ્વેલર્સ’ શોરૂમને હથિયારધારી લૂંટારુઓએ નિશાન બનાવ્યો હતો. આ સનસનાટીભરી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

સેન્કો જ્વેલર્સના શોરૂમમાં કરોડોની લૂંટ

પ્રાથમિક માહિતી અનુસાર ત્રણ બાઇક પર સવાર થઈને આવેલા આશરે 8 હથિયારધારી લૂંટારુઓ શોરૂમમાં ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ હથિયારોના જોરે કર્મચારીઓ અને ગ્રાહકોને ડરાવી લાખો-કરોડોનાં ઘરેણાં લૂંટી લીધાં હતાં. આ લૂંટાયેલાં ઘરેણાંની કિંમત આશરે 30થી 40 કરોડ રૂપિયા હોવાની શક્યતા છે.

વિસ્તારમાં નાકાબંધી

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ડીઆઈજી અને એસપી સહિત અનેક પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે અને ફરાર લૂંટારુઓને પકડવા માટે વિશેષ ટીમો સતત દરોડા પાડી રહી છે.

બંદૂકની અણીએ લૂંટની ઘટનાને અંજામ

આ લૂંટારુઓએ અત્યંત ચાલાકીપૂર્વક સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. શોરૂમમાં પ્રવેશતાની સાથે જ તેમણે હથિયારોના જોરે ત્યાં હાજર કર્મચારીઓ અને અન્ય લોકોને બાનમાં લઈ લીધા હતા. ત્યાર બાદ બધાના હાથ બાંધી દીધા હતા અને તેમના મોબાઇલ ફોન પણ છીનવી લીધા હતા. લૂંટારુઓએ તમામ લોકોને એક જગ્યાએ બેસાડી દીધા હતા, જેથી કોઈ વિરોધ ન કરી શકે અને મદદ માટે ફોન પણ ન કરી શકે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય અને બિહારનાં પૂર્વ નાયબ મુખ્ય મંત્રી રેણુ દેવીએ જણાવ્યું હતું કે ગુનેગારો કોઈ પણ હોય, તેમને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે.

‘અમે ફરી આવીશું… આ તો ફિલ્મનું શૂટિંગ છે‘

આ ઘટનાનો સૌથી ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો, જ્યારે શોરૂમમાં હાજર એક મહિલાએ જણાવ્યું કે જતાં-જતાં લૂંટારુઓએ કહ્યું હતું કે  અમે ફરી આવીશું, આ તો એક ફિલ્મ છે. લૂંટારુઓના આ કથિત નિવેદનથી સમગ્ર મામલો વધુ સનસનાટીભર્યો બન્યો છે.

ધરપકડ માટે પોલીસના દરોડા

હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. લૂંટારુઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટનાને બેતિયાના ઇતિહાસની સૌથી મોટી લૂંટની ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે.