સાયબર ફ્રોડથી વરિષ્ઠ નાગરિકોએ ગુમાવ્યા રૂ. 102 કરોડ

હૈદરાબાદઃ વરિષ્ઠ નાગરિકો સાયબર છેતરપિંડીનો મોટો ભોગ બન્યા છે. હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યાનુસાર જાન્યુઆરી, 2025થી જુલાઈ, 2026 દરમિયાન નોંધાયેલા 403 કેસોમાં વરિષ્ઠ નાગરિકોએ કુલ રૂ. 102.02 કરોડ ગુમાવ્યા છે. તેમાં ટ્રેડિંગ ફ્રોડ અને ‘ડિજિટલ એરેસ્ટ’ કૌભાંડને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. આંકડા અનુસાર 113 ટ્રેડિંગ ફ્રોડના કેસોમાં રૂ. 55.88 કરોડ, જ્યારે 69 ડિજિટલ એરેસ્ટના કેસોમાં રૂ. 31.93 કરોડનું નુકસાન થયું હતું. સૌથી વધુ કેસ OTP ફ્રોડના હતા. આવા 115 કેસોમાં કુલ રૂ. 4.94 કરોડની છેતરપિંડી થઈ હતી. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના 22 કેસોમાં રૂ. 2.79 કરોડ ગુમાવાયા હતા.

ડેટિંગ ફ્રોડ અને હનીટ્રેપના સાત કેસોમાં પણ રૂ. 70.11 લાખથી વધુનું નુકસાન થયું હતું. પોલીસના જણાવ્યાનુસાર ઠગો નકલી સોશિયલ મિડિયા અને ડેટિંગ પ્રોફાઇલના માધ્યમથી વૃદ્ધોની ભાવનાત્મક એકલતાનો લાભ ઉઠાવતા હતા. પોલીસે જણાવ્યું હતું કે 2026માં આવા ગુનાઓમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2025 દરમિયાન વરિષ્ઠ નાગરિકો સાથે છેતરપિંડીના 285 કેસ નોંધાયા હતા અને તેમાં રૂ. 71.81 કરોડનું નુકસાન થયું હતું. જ્યારે 31 જુલાઈ, 2026 સુધીમાં 118 કેસ નોંધાયા છે અને કુલ નુકસાન રૂ. 30.20 કરોડ રહ્યું છે. આ સાથે માસિક સરેરાશ કેસ 2025માં 24થી ઘટીને આ વર્ષે 17 થયા છે.તાજેતરના એક કેસમાં જ્યુબિલી હિલ્સના 75 વર્ષીય નિવૃત્ત સરકારી અધિકારીને વોટ્સએપ પર પાર્ટ-ટાઇમ નોકરીની ઓફર આપીને ફસાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને વિદેશી ચલણના ટ્રેડિંગની ઓફર કરતા એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. ઠગોએ શરૂઆતમાં નકલો નફો બતાવીને વિશ્વાસ જીત્યો અને બાદમાં પૈસા ઉપાડવા તથા પ્રોસેસિંગ ફીને નામે તેમની પાસેથી કથિત રીતે રૂ. 96 લાખ પડાવી લીધા હતા.

તપાસકર્તાઓએ જણાવ્યું કે પરિવારના સભ્યો ઘણીવાર વૃદ્ધ સંબંધીઓની ડિજિટલ પ્રવૃત્તિ અથવા બેંકિંગ વ્યવહારોમાં આવેલા ફેરફારો પર ધ્યાન આપતા નથી. પરિણામે, મોટી રકમ ગુમાવ્યા બાદ જ છેતરપિંડીની જાણ થાય છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં સતર્ક બેંક કર્મચારીઓએ અસામાન્ય વ્યવહારો અંગે ગ્રાહકોને સવાલો કરીને મોટી રકમની છેતરપિંડી અટકાવવામાં મદદ કરી છે.