મહારાષ્ટ્રમાં 17-ઓગસ્ટથી શાળાઓ ફરી શરૂ નહીં કરાય

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાળાઓ આવતી 17 ઓગસ્ટથી ફરી શરૂ કરવાના પોતાના જ નિર્ણયને રાજ્ય સરકારે મુલતવી રાખી દીધો છે. કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર અને ડેલ્ટા-પ્લસ વેરિઅન્ટનો ફેલાવો થવાની દહેશતને કારણે સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે. આમ, રાજ્યના વિદ્યાર્થીઓ માટે ઘેરથી જ ભણવાની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે.

ગયા મંગળવારે સરકારે એક સર્ક્યૂલર બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં ધોરણ પાંચથી સાત અને શહેરી વિસ્તારોમાં ધોરણ 8-12ના વર્ગો ગાઈડલાઈન્સ અંતર્ગત ફરી શરૂ કરવામાં આવશે. પરંતુ, ડો. સુહાસ પ્રભુની આગેવાની હેઠળ પીડિયાટ્રિક્સ અંગે રાજ્ય સરકારની ટાસ્ક ફોર્સે સરકારને ભલામણ કરી હતી કે શાળાઓ ફરી શરૂ કરવાનું કમસે કમ એક મહિનો મોકૂફ રાખવામાં આવે. હવે સરકારે એ ભલામણને ધ્યાનમાં લઈને ગઈ કાલે જાહેરાત કરી કે શાળાઓ 17 ઓગસ્ટથી ફરી શરૂ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે.