ચૂંટણીમાં ઉપયોગ થઈ શકે છે આધાર ડેટા: SC, આ કોઈ એટમ બોમ્બ નથી: UIDAI

નવી દિલ્હી- આધાર કાર્ડની અનિવાર્યતાને લઈને સુપ્રીમ કોર્ટમાં સૌથી મોટી સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આશંકા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આધાર કાર્ડ ડેટાનો ચૂંટણીમાં ઉપયોગ થઈ શકે છે. જોકે સુપ્રીમ કોર્ટને જવાબ આપતા UIDAIએ જણાવ્યું છે કે, આધાર ડેટા કોઈ એટમ બોમ્બ જેવી વસ્તુ નથી.પાંચ જજોની સંવિધાન પીઠે કહ્યું કે, એ વાસ્તવિક આશંકા છે કે, ઉપલબ્ધ આંકડા ચૂંટણી પરિણાને પ્રભાવિત કરી શકે છે. સાથે જ પાંચ જજોની સંવિધાન પીઠે પ્રશ્ન કર્યો કે, જો આધાર ડેટાનો ઉપયોગ ચૂંટણી પરિણામને પ્રભાવિત કરી શકતો હોય તો શું લોકતંત્રનો અર્થ સાર્થક થયો ગણાય ખરો?

સુપ્રીમ કોર્ટની આશંકા પર જવાબ આપતા UIDAI તરફથી રાકેશ દ્વિવેદીએ જણાવ્યું કે, વિશ્વમાં ટેકનોલોજી આગળ વધી રહી છે અને આપણી પાસે ટેકનિકલ વિકાસની મર્યાદાઓ છે.

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આધાર કાર્ડની સુરક્ષાને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી કે, ડેટા સંરક્ષણ કાયદાની અનુપસ્થિતિમાં ઉપલબ્ધ સુરક્ષિત ઉપાયોની પ્રકૃતિ શું હોઈ શકે? આ સમસ્યા માત્ર લક્ષણકારી નહીં પરંતુ વાસ્તવિક છે.

સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ ડી.વી. ચંદ્રચુડે જણાવ્યું હતું કે, જ્ઞાનની મર્યાદાઓને કારણે આપણે વાસ્તવિકતા તરફ આંખો બંધ કરી શકીએ નહીં. કારણકે આપણે જે કાયદો અમલમાં મુકવા જઈ રહ્યા છીએ તે ભવિષ્યને અસર કરશે.

UIDAIએ મજબૂતીથી પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે, આધાર અંતર્ગત ડેટાનું રક્ષણ એ કોઈ એટમ બોમ્બ જેવું નથી. એ અવાસ્તવિક ડર ફક્ત અરજદારો દ્વારા ફેલાવવામાં આવ્યો છે. તેમના દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આધાર કાર્ડથી વધુ સારું સ્માર્ટ કાર્ડ છે કારણકે તેઓ સ્માર્ટ કાર્ડ ઈચ્છે છે.