એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ સામે ટાટા ટ્રસ્ટ્સ હાઈકોર્ટમાં જશે

મુંબઈઃ ટાટા ગ્રુપમાં નેતૃત્વને લઈને ટકરાવ વધતો જઈ રહ્યો છે. ગ્રુપ પર નિયંત્રણ ધરાવતી ચેરિટેબલ સંસ્થા ટાટા ટ્રસ્ટ્સે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરની પુનઃનિયુક્તિને પડકારવા બોમ્બે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી છે, એમ એક સૂત્રે આ માહિતી આપી હતી.

રિપોર્ટ અનુસાર ટાટા ટ્રસ્ટ્સ એન. ચંદ્રશેખરને ટાટા સન્સના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાના નિર્ણયને કોર્ટમાં પડકારશે. આ પગલાથી ટાટા ગ્રુપના નેતૃત્વ અને ભવિષ્યને લઈને બોર્ડમાં ચાલી રહેલો વિવાદ વધુ વધી શકે છે. ટાટા ટ્રસ્ટ્સ એ ચેરિટેબલ સંસ્થાઓનું જૂથ છે, જે ટાટા સન્સ પર નિયંત્રણ ધરાવે છે. ટાટા ગ્રુપનો વ્યવસાય મીઠાથી લઈને ઉડ્ડયન ક્ષેત્ર સુધી વિસ્તરેલો છે. જોકે આ મામલે ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સની પ્રતિક્રિયા હજુ સામે આવી નથી.  હાલમાં એ સ્પષ્ટ નથી કે ટાટા ટ્રસ્ટ્સ કયા કાનૂની આધાર પર પુનઃનિયુક્તિના નિર્ણયને પડકારશે અને આ મામલે આગળ કઈ કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ પહેલાં ટાટા સન્સે ગુરુવારે જાહેરાત કરી હતી કે એન. ચંદ્રશેખરને આગામી પાંચ વર્ષ માટે ફરીથી ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ નિર્ણય તેમના અગાઉના નિર્ણયથી અલગ છે, જેમાં તેમણે વર્તમાન કાર્યકાળ પૂરો થયા બાદ વધુ સમય માટે પદ પર રહેવાનો ઇનકાર કર્યો હતો.

ગયા મહિને ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ પુનઃનિયુક્તિની માગ નહીં કરે. તે સમયે ટાટા સન્સનું બોર્ડ તેમના કાર્યકાળને લંબાવવા અંગે સહમતી બનાવી શક્યું નહોતું. આ ઘટનાક્રમ બાદ ટાટા ગ્રૂપમાં નવી ચર્ચા શરૂ થઈ છે. ગુરુવારે જ ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ, જેઓ ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો ધરાવતા મુખ્ય શેરધારક સંસ્થાનું નેતૃત્વ કરે છે, આ પુનઃનિયુક્તિને ‘ગેરકાયદે’ ગણાવી હતી.