J&K: કુલગામમાં ઈદની નમાઝ બાદ આતંકીઓએ પોલીસકર્મીની હત્યા કરી

શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં ઈદના દિવસે પણ આતંકીઓ તેની ‘નાપાક’ હરકતો કરવાનું ચુક્યા નહતા. આજે સવારે જમ્મુ-કશ્મીરના કુલગામમાં આતંકીઓએ એક ટ્રેઈની પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ પોલીસકર્મી મસ્જિદમાંથી ઈદની નમાઝ અદા કરીને આવ્યો હતો.મૃતક પોલીસકર્મીની ઓળખ ફયાઝ અહેમદ કરીકે કરવામાં આવી છે. ફયાઝ અહેમદ ટ્રેઈની પોલીસ અધિકારી તરીકે કાર્યરત હતા અને હાલમાં જ તેને પ્રમોશન મળ્યું હતું અને કોન્સ્ટેબલ તરીકે તહેનાત કરવામાં આવવાના હતા.

મળતી માહિતી મુજબ ફયાઝ કેટલાક દિવસો માટે તેમના ઘરે રજાઓ પર આવ્યા હતા. દરમિયાન આજે ઈદની નમાઝ બાદ આતંકીઓએ ફયાઝને ગોળી મારી હતી. ગોળી વાગ્યા બાદ ફયાઝને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતા. જ્યાં સરવાર દરમિયાન તેનું મોત થયું હતું. ફયાઝના જનાઝામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

બીજી તરફ જમ્મુ-કશ્મીરમાં પથ્થરબાજોએ પણ આજે તેમની હરકતો દેખાડી હતી. શ્રીનગરમાં ઈદની નમાઝ બાદ કેટલાક લોકોએ પાકિસ્તાન અને આતંકી સંગઠન ISISના ઝંડા લહેરાવ્યા હતા. અને સ્થાનિક સુરક્ષાદળો ઉપર પથ્થરમારો કર્યો હતો.