નોટબંધીની ત્રીજી વર્ષગાંઠે પ્રિયંકા સહિત વિપક્ષોના સરકાર પર પ્રહારો

નવી દિલ્હી: નોટબંધીની ત્રીજી વર્ષગાંઠ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘નોટબંધી એક આપત્તિ સાબિત થઈ જેને દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાંખી. પ્રિયંકા ગાંધીએ 8 નવેમ્બરે નોટબંધીના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે મોદી સરકાર પર હુમલો કરતા ટ્વીટમાં લખ્યું કે, નોટબંધીને ત્રણ વર્ષ થઈ ગયા, સરકાર અને તેમના નીમ-હકીમ દ્વારા કરવામાં આવેલા નોટબંધીના દાવાઓ એક એક કરીને ધરાશાયી થઈ ગયા હતા’ હવે તુઘલકી પગલાની જવાબદારી કોણ લેશે? મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ નોટબંધી અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે આજે ‘ડિમોનેટાઇઝેશન ડિઝાસ્ટર’ ની ત્રીજી વર્ષગાંઠ છે. તેની ઘોષણાની મિનિટોમાં જ મેં કહ્યું હતું કે એ અર્થતંત્ર અને લાખો લોકોનું જીવન બરબાદ કરશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ, સામાન્ય લોકો અને બધા નિષ્ણાતો હવે આ સાથે સહમત છે. રિઝર્વ બેંકના ડેટાએ પણ બતાવ્યું હતું કે તે એક નિરર્થક કવાયત હતી.

રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે, ‘ત્રણ વર્ષ પહેલા આજના જ દિવસે નોટબંદી કરાઈ હતી જેના કારણે ભારતીય અર્થવ્યવસ્થા હચમચી ગઈ હતી. કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા, લાખો નાના મોટા વેપારીઓ કંગાળ થઈ ગયા લાખો ભારતીય બેરોજગાર થઈ ગયા હતા. જે લોકોએ દેશ પર આ ઘાતકી હુમલો કરાવ્યો હતો તેવા ગુનેગારોને હાલ પણ ઉઘાડા કરાતા નથી દેશની જનતાને તેમની સાથે થયેલા અન્યાયનો ન્યાય આજે પણ મળ્યો નથી.’

કોંગ્રેસ સંચાર વિભાગના પ્રમુખ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા લેવાયેલા આ નિર્ણયની સજા દેશ આજે પણ ભોગવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ‘સુલ્તાન મોહમ્મદ બિન તુગલકે વર્ષ 1330માં દેશની મુદ્રાને બેકાર કરી દીધી હતી. આઠમી નવેમ્બર, 2016ના આજના સમયના તુઘલકે પણ આવું જ કર્યું. ત્રણ વર્ષ ગુજરી ગયા પણ દેશ હાલ પણ તેની સજા ભોગવી રહ્યો છે. કારણ કે અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ, રોજગારી પડી ભાંગી અને આતંકવાદ પણ થોભ્યો નથી. આ બધા માટે જવાબદાર કોણ છે?’