જામીયા પ્રદર્શન વખતે ગોળી ચલાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જામિયા યૂનિવર્સિટી પાસે પ્રદર્શન દરમ્યાન ખુલ્લેઆમ ગોળી ચલાવવાની ઘટનાને લઇને દિલ્હીમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ગોળી શાદાબ ગામના એક વિદ્યાર્થીના હાથ પર વાગી હતી. શાદાબને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ ગોપાલ છે. તેણે ગોળી ચલાવતા પહેલા ફેસબુક લાઈવ પણ કર્યું હતું.

ફેસબુક લાઈવ કરતા પહેલા તેણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, શાહીનબાગ ખેલ ખતમ. આ પહેલા તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી અંતિમ યાત્રા પર, મને ભગવામાં લઈ જવામાં આવે અને જય શ્રીરામના નારા લાગે”. પછી તેણે લખ્યું કે, મારા ઘરને સાચવજો, અને તેણે પોતાના ફેસબુક પેજ પોતાનું નામ “રામભક્ત ગોપાલ”રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજઘાટ સુધી પદયાત્રા કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક એક યુવાન આવ્યો અને તેણે આ લો આઝાદી અને દિલ્હી પોલીસ જિંદાબાદ કહેતા ગોળી ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીએએના વિરોધમાં ઉતરેલા હજારો લોકો અને વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર પ્રદર્શન કર્યું.