નવી દિલ્હીઃ નોઈડામાં શેરબજારમાં રોકાણને નામે છેતરપિંડીના બે કિસ્સા સામે આવ્યા છે. આ બંને કિસ્સામાં બે લોકો સાથે આશરે રૂ. 47 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓએ સોશિયલ મિડિયા દ્વારા બંને લોકોનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ તેમને રોકાણને નામે નાણાં લગાવવા માટે સમજાવ્યા હતા.
પ્રથમ ફરિયાદ ગ્રેટર નોઈડા વેસ્ટમાં રહેતા 39 વર્ષીય વૈભવ ગર્ગે નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે તેમની સાથે રૂ. 20 લાખની છેતરપિંડી થઈ છે. વૈભવના જણાવ્યાનુસાર તેમને એક વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા, જ્યાં શેરબજારમાં રોકાણ સંબંધિત સંદેશા મોકલવામાં આવતા હતા.
તેમણે જણાવ્યું હતું કે દરરોજ સાંજે 7:30 વાગ્યે એક વ્યક્તિ વિડિયો કોલ દ્વારા રોકાણ અંગેની ક્લાસ લેતો હતો અને તેના ફાયદા સમજાવતો હતો. વૈભવે પોલીસને જણાવ્યું હતું કે ગ્રુપમાં જોડાયેલા લોકો દરરોજ પોતાના નફાના સ્ક્રીનશોટ શેર કરતા હતા. થોડા સમય પછી ઠગોએ મને નાણાં રોકવા માટે કહ્યું અને 300 ટકા વ્યાજ આપવાનું વચન આપ્યું હતું. વૈભવે વધુમાં જણાવ્યું હતું કે આરોપીએ તેમને ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે પણ કહ્યું હતું. ત્યાર બાદ તેમણે 16 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર વચ્ચે 10 હપતામાં કુલ રૂ. 20 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
પરંતુ જ્યારે તેમણે નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગોએ અલગ-અલગ ચાર્જને નામે વધુ નાણાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. એ સાથે જ ચેતવણી આપી હતી કે જો તેઓ વધારાના નાણાં નહીં ચૂકવે, તો તેમને ડિફોલ્ટ લિસ્ટમાં મૂકી દેવામાં આવશે. આ પછી વૈભવને સમજાયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી.

એક વૃદ્ધ સાથે રૂ. 27.5 લાખની છેતરપિંડી
એ જ રીતે સેક્ટર-20માં રહેતા 72 વર્ષીય વૃદ્ધ સાથે પણ રૂ. 27.5 લાખની છેતરપિંડી થઈ હતી. પોલીસના જણાવ્યાનુસાર ઠગોએ આ વૃદ્ધને પણ એક એપ દ્વારા રોકાણ કરવા માટે કહ્યું હતું. જ્યારે તેમણે પોતાનો નફો ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ તેમના પર વધુ નાણાં જમા કરાવવા માટે દબાણ કર્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસએચઓ વિજય રાણાએ જણાવ્યું હતું કે બંને ફરિયાદોને આધારે FIR નોંધવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની કલમ 318(4) એટલે કે છેતરપિંડી અને કલમ 319(2) એટલે કે અન્ય વ્યક્તિની ઓળખ ધારણ કરીને છેતરપિંડી કરવા ઉપરાંત આઈટી એક્ટ હેઠળ પણ કેસ નોંધ્યો છે.




