ટ્રાઈએ પેઈડ ચેનલોના દરમાં કર્યો ઘટાડો: ટીવી જોવું ખરેખર સસ્તુ થશે?

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ કેબલ ટીવી અને ડીટીએચ યૂઝર્સને નવા વર્ષની ભેટ આપી છે. ટ્રાઈએ પેઈડ ચેનલો માટેના મહત્તમ દરને 19થી ઘટાડીને 12 રુપિયા કરી દીધા છે. હવે આ જાહેરાત પછી સર્વિસ પ્રોવાઈડર કોઈ પણ ચેનલ માટે વધુમાં વધુ 12 રુપિયા જ પ્રતિ મહિના લેખે ભાડું વસૂલી શકશે. સર્વિસ પ્રોવાઈડર દ્વારા આપવામાં આવી રહેલા ચેનલ બુકેમાં કોઈપણ ચેનલને ત્યારે જ સામેલ કરવામાં આવશે જ્યારે તેમની કિંમત 12 રુપિયા કે તેનાથી ઓછી હશે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા જ જાહેર થયેલા સમાચાર મુજબ 1 માર્ચથી ગ્રાહકોને 130 રુપિયામાં 100 ફ્રી ચેનલ્સના બદલે 200 ફ્રી ટૂ એર ચેનલ્સો દેખાડવામાં આવશે.

ટ્રાઈની નવા કેબલ ટીવી અને ડીટીએચ ટેરિફને 1 માર્ચ 2020થી લાગુ કરવામાં આવશે. આ નવી ટેરિફ વ્યવસ્થામાં ગ્રાહકોને 130 રુપિયા(ટેક્સ વગર)માં 200 ફ્રી ટૂ એર ટીવી ચેનલો ઓફર કરવામાં આવશે. પહેલા આ પેકેજમાં 100 ફ્રી ટૂ એર ચેનલ્સ ઓફર કરવામાં આવતી હતી. આજે કરેલી નવી જાહેરાતમાં ટ્રાઈએ 12 રુપિયાથી વધુની કિંમત વાળી ચેનલો બુકે લિસ્ટથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે. આ ચેનલોને ગ્રાહક સ્ટેન્ડ અલોન તરીકે સબ્સક્રાઈબ કરી શકશે. ટ્રાઈએ આના માટે કેબલ અને ડીટીએચ ઓપરેટર્સને 15 જાન્યુઆરી સુધી વેબસાઈટ પર જાણકારી મૂકવા પણ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાઈએ ગયા વર્ષે જ કેબલ ટીવી અને ડીટીએચ માટે નવી ટેરિફ વ્યવસ્થા લાગુ કરી હતી, જેમાં દર્શકો માત્ર એ જ ચેનલોનું ભાડું ચૂકવશે જે ચેનલો એ જોવા માગે છે.